સત્ય. સાહસ. સંકલ્પ.

કોમ્પ્યુટર-લેપટોપ ખરીદવું મોંઘું: હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા વધ્યા

કોમ્પ્યુટર-લેપટોપ ખરીદવું મોંઘું: હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા વધ્યા

છેલ્લા બે મહિનામાં હાર્ડ ડ્રાઈવના ભાવ ત્રણ ગણા વધી જતાં કોમ્પ્યુટર અને લેપટોપ ખરીદવું સામાન્ય લોકો માટે મુશ્કેલ બની ગયું છે. દિવાળી પહેલાં ૪,૦૦૦થી ૫,૦૦૦ રૂપિયામાં મળતી હાર્ડ ડ્રાઈવ હવે ૧૧,૦૦૦થી ૧૨,૦૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે.

છેલ્લા બે વર્ષથી મેમરીના ભાવ વધતા કોમ્પ્યુટર બજાર પહેલેથી મોંઘું થઈ ગયું હતું. હવે હાર્ડ ડ્રાઈવના ભાવમાં આવેલા મોટા ઉછાળાને કારણે કોમ્પ્યુટર અને લેપટોપની કુલ કિંમત ફરી એક વાર ખૂબ વધી ગઈ છે.

હાલ દિવાળીની સીઝન શરૂ થવાની તૈયારીમાં છે અને ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને આકર્ષવા ઓફરો આપી રહી છે. પણ હાર્ડ ડ્રાઈવના ભાવ વધવાથી નવું કોમ્પ્યુટર કે લેપટોપ લેવાનું મોંઘું થઈ ગયું છે. SSDના ભાવ પણ છેલ્લા એક વર્ષથી વધારે હતા, અને હવે સસ્તી ગણાતી સામાન્ય હાર્ડ ડ્રાઈવ પણ બમણીથી ત્રણ ગણી મોંઘી થઈ છે. આની અસર શાળામાં ભણતા બાળકોથી લઈને કોર્પોરેટ ક્ષેત્રમાં કામ કરતા વરિષ્ઠ કોમ્પ્યુટર પ્રોફેશનલ્સ સુધીના તમામ લોકો પર પડી રહી છે.

નિષ્ણાંતોના મતે, ભાવ વધારા પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) મુખ્ય કારણ છે. AI પ્રોસેસિંગમાં ખૂબ મોટા પ્રમાણમાં ડેટા બને છે, જેથી મોટી કંપનીઓ ડેટા સાચવવા લાખોની સંખ્યામાં હાર્ડ ડ્રાઈવનો બલ્ક ઓર્ડર આપી રહી છે. પહેલાં ગ્રાફિક્સ કાર્ડ અને રેમના ભાવ વધ્યા, પછી SSDના ભાવ વધ્યા, અને હવે હાર્ડ ડ્રાઈવના ભાવ પણ વધી રહ્યા છે. AI કંપનીઓમાં ડેટા સ્ટોરેજની માંગ સતત વધતી હોવાથી બજારમાં આ સ્થિતિ ઊભી થઈ છે.