સત્ય. સાહસ. સંકલ્પ.

જામનગરના હાપા જલારામ મંદિરમાં 10x10 ફૂટનો મહાકાય રોટલો બન્યો, ભક્તોને પ્રસાદીરૂપે અર્પણ

જામનગરના હાપા જલારામ મંદિરમાં 10x10 ફૂટનો મહાકાય રોટલો બન્યો, ભક્તોને પ્રસાદીરૂપે અર્પણ

જામનગર નજીક હાપા ખાતે આવેલા સુપ્રસિદ્ધ જલારામ મંદિરમાં જલારામ બાપાની 227મી જન્મજયંતિ નિમિત્તે અનોખી પ્રસાદી તૈયાર કરવામાં આવી હતી. બાપાના 'જ્યાં ટુકડો ત્યાં પ્રભુ ઢૂંકડો' મંત્રને સાર્થક કરતાં મંદિર ખાતે 10x10 ફૂટનો વિશાળ રોટલો બનાવીને રેકોર્ડ સર્જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મહાકાય રોટલો માત્ર બે કલાકમાં તૈયાર થયો હતો. તેમાં 85 કિલો બાજરી, 28 કિલો જુવાર અને 2 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાંજે મહાઆરતી બાદ આ વિશાળ રોટલાને ભક્તજનોને પ્રસાદીરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

આ વિશાળ રોટલો તૈયાર કરવાની સમગ્ર કામગીરીમાં હાપા જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ તથા તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જલારામ બાપાના અન્નક્ષેત્ર અને સેવાભાવનાના સંદેશને ઉજાગર કરતી આ અનોખી પ્રસાદીએ ભક્તોમાં વિશેષ ઉત્સાહ જગાવ્યો હતો.