સત્ય. સાહસ. સંકલ્પ.

સંજુ સેમસનના ફોર્મ પર હનુમા વિહારીનો સવાલ: 'સ્પર્ધાના દબાણમાં અસુરક્ષિત અનુભવે છે'

સંજુ સેમસનના ફોર્મ પર હનુમા વિહારીનો સવાલ: 'સ્પર્ધાના દબાણમાં અસુરક્ષિત અનુભવે છે'

ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર હનુમા વિહારીએ ઓપનર સંજુ સેમસનની ફોર્મ પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે સેમસનને સતત મળી રહેલી લાંબી તકો અંગે પણ શંકા વ્યક્ત કરી છે. વિહારીએ કહ્યું કે સેમસન ટીમમાં સ્પર્ધાના દબાણને કારણે અસુરક્ષિત અનુભવી રહ્યો છે.

મંગળવારે લખનઉમાં વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ T20 મેચમાં સેમસન 11 રન બનાવીને આઉટ થઈ ગયો. આ પહેલા એશિયન ગેમ્સમાં તેણે અનુક્રમે 9, 7 અને 2 રન બનાવ્યા હતા. ગયા મહિને અફઘાનિસ્તાન સામેની બે અડધી સદી સિવાય 2026 T20 વર્લ્ડ કપ બાદ તેની T20 આંતરરાષ્ટ્રીય ફોર્મ સારી રહી નથી.

વિહારીએ પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું, 'સેમસનની વધુ એક નિષ્ફળતા સૌથી મોટો સવાલ છે. તેમને કેટલા લાંબા સમય સુધી તક આપી શકાય? હું તેમનો મોટો પ્રશંસક છું અને ઇચ્છું છું કે તેઓ રમે. પરંતુ મને લાગે છે કે તેઓ અસુરક્ષિત અનુભવ કરી રહ્યા છે.'

તેમણે ઉમેર્યું, 'મેં અગાઉ પણ કહ્યું છે કે જ્યારે સેમસન પર સ્પર્ધાનું દબાણ હોય છે, ત્યારે તેઓ પ્રદર્શન કરી શકતા નથી. વર્લ્ડ કપ પહેલાં ન્યૂઝીલેન્ડ સિરીઝમાં ઈશાનની વાપસી થઈ હતી, ત્યારે સેમસન પ્રદર્શન કરી શક્યા નહોતા. હવે વૈભવ તેમની પાછળ છે. તેમને તે દબાણનો અહેસાસ થઈ રહ્યો હશે.'

આ મેચમાં ભારતીય કેપ્ટન શ્રેયસ અય્યરે 43 બોલમાં અણનમ 102 રન બનાવ્યા. ભારતે પાંચ T20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝની પ્રથમ મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું. અય્યરે 42 બોલમાં પોતાની પ્રથમ T20 સદી પૂરી કરી. T20 ફોર્મેટમાં કોઈ ભારતીય ખેલાડીની આ છઠ્ઠી સૌથી ઝડપી સદી છે. સિરીઝની બીજી મેચ શુક્રવારે રાંચીમાં રમાશે.