રાત્રે ઊંઘતી વખતે હાથ સુન્ન થવો, ઝણઝણાટી થવી કે હાથમાં સોય ભોંકાતી હોય તેવો અહેસાસ થવો સામાન્ય નથી. ઘણી વાર આ ખોટી ઊંઘવાની પોઝિશનને કારણે થાય છે, પરંતુ જો આ સમસ્યા વારંવાર થાય તો તે કોઈ ગંભીર બીમારીનો સંકેત પણ હોઈ શકે છે.
મોટાભાગના લોકો આ તકલીફને હલકી ગણીને અવગણી દે છે. પરંતુ વારંવાર હાથ સુન્ન થવું એ તમારા સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. તબીબોના મતે, આની પાછળ ઘણા કારણો હોઈ શકે છે.
સૂતી વખતે હાથ સુન્ન થવાનું મુખ્ય કારણ
જ્યારે આપણે રાત્રે લાંબા સમય સુધી એક જ પડખે સૂઈએ છીએ અથવા માથા નીચે હાથ દબાવીને સૂઈએ છીએ, ત્યારે હાથની નસો પર દબાણ આવે છે. તેનાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ થાય છે અને હાથ સુન્ન થઈ જાય છે. સામાન્ય રીતે પોઝિશન બદલવાથી અને હાથ હલાવવાથી આ તકલીફ દૂર થઈ જાય છે.
સર્વાઇકલ સ્પોન્ડિલોસિસ
તબીબોના મતે, ગરદનની કરોડરજ્જુની સમસ્યા પણ હાથ સુન્ન થવાનું કારણ હોઈ શકે છે. ગરદનના મણકા વચ્ચેની ડિસ્કમાં ફેરવાથી કે નસ દબાવાથી ગરદનથી લઈને હાથ અને આંગળીઓ સુધી દુખાવો, ઝણઝણાટી કે સુન્નપણું આવી શકે છે. જો હાથ સુન્ન થવાની સાથે ગરદનમાં દુખાવો, ખભામાં ખેંચાણ કે આંગળીઓમાં નબળાઈ જણાય, તો તરત જ સ્પાઇન કે ઓર્થોપેડિક નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.
ડાયાબિટીસ અને કાર્પલ ટનલ સિન્ડ્રોમ
ડાયાબિટીસના દર્દીઓમાં બ્લડ શુગર અનિયંત્રિત રહેવાથી નસોને નુકસાન પહોંચે છે, જેને ‘ડાયાબિટીક ન્યુરોપેથી’ કહેવાય છે. આ ઉપરાંત કાંડાની નસ દબાવાની સ્થિતિ ‘કાર્પલ ટનલ સિન્ડ્રોમ’ના કારણે પણ રાત્રે હાથ અને આંગળીઓ સુન્ન થઈ જાય છે. આ સમસ્યા મુખ્યત્વે અંગૂઠો, તર્જની અને વચ્ચેની આંગળીમાં વધુ જોવા મળે છે.
સાવચેતી રાખવી કેવી રીતે?
સૂતી વખતે હાથને શરીર કે માથા નીચે દબાવીને ન રાખો. ગરદન અને હાથ આરામદાયક સ્થિતિમાં રહે તે રીતે સૂવાની ટેવ પાડો. લાંબા સમય સુધી કોણી વાળીને સૂવાનું ટાળો. જો સમસ્યા વારંવાર થાય, તો વિલંબ કર્યા વિના ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરો. ડૉક્ટરની સલાહ વિના જાતે પેઇનકિલર કે વિટામિન સપ્લિમેન્ટ લેવાનું શરૂ ન કરો.
ક્યારે તાત્કાલિક હોસ્પિટલ જવું?
જો અચાનક એક હાથ સુન્ન થવાની સાથે ચહેરાનો એક ભાગ ત્રાંસો થાય, બોલવામાં મુશ્કેલી પડે, હાથ-પગમાં લકવો જેવી નબળાઈ લાગે કે શરીરનું સંતુલન બગડે, તો તે બ્રેઇન સ્ટ્રોકના લક્ષણો હોઈ શકે છે. આવી સ્થિતિમાં દર્દીને તરત જ નજીકની ઇમરજન્સી હોસ્પિટલમાં લઈ જવો જોઈએ. હાથનું સુન્નપણું સતત ચાલુ રહે તો પણ તબીબી તપાસ જરૂરી છે.
અસ્વીકરણ: આ સમાચાર સામાન્ય માહિતી આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.