સત્ય. સાહસ. સંકલ્પ.

હલ્દવાનીમાં 15.5 વર્ષની સગીરા સાથે હોટલમાં સામૂહિક દુષ્કર્મ, ABVP નેતા સહિત 4 ધરપકડ

હલ્દવાનીમાં 15.5 વર્ષની સગીરા સાથે હોટલમાં સામૂહિક દુષ્કર્મ, ABVP નેતા સહિત 4 ધરપકડ

ઉત્તરાખંડના હલ્દવાનીમાં 15.5 વર્ષની એક સગીરા પર સામૂહિક દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. આ ઘટના મુખાની વિસ્તારની એક હોટલમાં બની હોવાનું પોલીસે જણાવ્યું છે. પોલીસે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના નેતા ધીરજ બિષ્ટ સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય આરોપીઓની ઓળખ નિતિન પાલ, અંશ ખત્રી અને હિમાંશુ બોની તરીકે થઈ છે.

પીડિતાના પરિવારની ફરિયાદ મુજબ, ચારેય યુવકોએ સગીરાને ફોસલાવીને અને દબાણ કરીને મુખાની વિસ્તારની હોટલમાં લઈ જઈ તેની મરજી વિરુદ્ધ યૌન શોષણ કર્યું હતું. પરિવારની ફરિયાદ મળતાં જ પોલીસે તાત્કાલિક FIR નોંધીને તપાસ શરૂ કરી હતી.

મુખ્ય આરોપી ધીરજ બિષ્ટે તાજેતરમાં હલ્દવાનીની MBPG કોલેજમાં યોજાયેલી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP તરફથી પ્રમુખ પદ માટે ચૂંટણી લડી હતી. પોલીસે જણાવ્યું કે કિશોરીના પરિવારની ફરિયાદના આધારે મુખાની પોલીસ સ્ટેશનમાં ચારેય આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કર્યા બાદ હોટલ પરિસરની તપાસ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન હોટલના CCTV ફૂટેજ અને ઘટનાસ્થળેથી મળેલા પુરાવાઓના આધારે ઘટનાની પુષ્ટિ થઈ હોવાનું SSPએ જણાવ્યું હતું. આ ઉપરાંત, પોલીસ કસ્ટડીમાં પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓએ ઘટનામાં સંડોવણી સ્વીકારી હોવાનો પોલીસનો દાવો છે.

હાલ કિશોરીની મેડિકલ તપાસ સહિતની જરૂરી કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. પોલીસે આરોપીઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.