સત્ય. સાહસ. સંકલ્પ.

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલાં આ 5 વાત ધ્યાનમાં રાખો, નહીં તો પસ્તાવો થશે

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલાં આ 5 વાત ધ્યાનમાં રાખો, નહીં તો પસ્તાવો થશે

વાળ ખરવાની સમસ્યા ઘણા લોકોને ચિંતામાં નાખે છે. ખાસ કરીને જ્યારે માથાના આગળના ભાગમાં વાળ ઓછા થવા લાગે અથવા ટાલના પેચ દેખાય, ત્યારે લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો વિચાર કરે છે. આજે ઘણા લોકો આ સર્જરી કરાવી રહ્યા છે.

પણ સવાલ એ છે કે આ સર્જરી ખરેખર સુરક્ષિત છે? અને ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે?

હેર ટ્રાન્સપ્લાન્ટ એ સર્જિકલ પ્રોસેસ છે. તેમાં માથાના જે ભાગમાં વાળ ઘાટા હોય છે, ત્યાંથી વાળના મૂળ કાઢીને ઓછા વાળવાળા ભાગમાં લગાવવામાં આવે છે. સામાન્ય રીતે આ પ્રોસેસ સુરક્ષિત મનાય છે, પણ ક્યારેક તેના સાઇડ ઇફેક્ટ્સ પણ દેખાય છે.

સોજો અને દુખાવો

ટ્રાન્સપ્લાન્ટ પછી માથાની ત્વચામાં હળવો દુખાવો, ખેંચાણ અને સોજો આવવો સામાન્ય છે. કેટલાક લોકોમાં કપાળ અને આંખોની આસપાસ પણ થોડા દિવસ સોજો રહે છે. સામાન્ય રીતે આ સમસ્યા થોડા સમય માટે હોય છે અને ધીમે ધીમે ઠીક થઈ જાય છે.

ઇન્ફેક્શનનો ખતરો

આ સર્જરી હોવાથી ઇન્ફેક્શનનો ખતરો સંપૂર્ણપણે ટળતો નથી. જો પ્રોસેસ દરમિયાન સ્વચ્છતાનું ધ્યાન ન રાખવામાં આવે અથવા પછી ડોક્ટરે કહેલી સંભાળ ન લેવાય, તો ઇન્ફેક્શન થઈ શકે છે. સોજો, પરુ, વધતો દુખાવો કે તાવ જેવા લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

વાળ વધુ ખરી શકે છે

ટ્રાન્સપ્લાન્ટ પછી ઘણા લોકોને થોડા સમય માટે લગાવેલા વાળ સાથે આસપાસના વાળ પણ ખરવા લાગે છે. તેને ‘શોક લોસ’ કહેવાય છે. મોટા ભાગના કિસ્સામાં આ હંગામી હોય છે અને પછી વાળ ફરી ઊગવા લાગે છે.

નવા વાળ પૂરા વિકસિત થવામાં ઘણા મહિના લાગી શકે છે. ટ્રાન્સપ્લાન્ટ પછી માથાની ત્વચામાં ખંજવાળ, ઝણઝણાટી કે બહેરાશ પણ અનુભવાય છે. આ ત્વચામાં થતી ઈજા અને નસો પર પડતી અસ્થાયી અસરના કારણે થાય છે.

ડૉક્ટરની પસંદગી સૌથી અગત્યની

હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવતા પહેલાં ફક્ત કિંમત જોઈને ક્લિનિક પસંદ કરવું યોગ્ય નથી. ડૉક્ટરની યોગ્યતા, અનુભવ, વપરાતી ટેકનિક, ક્લિનિકની સ્વચ્છતા અને તમારા વાળની સ્થિતિ વિશે જાણવું જરૂરી છે.

સામાન્ય રીતે 23 કે 25 વર્ષથી ઓછી ઉંમરમાં આ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવતી નથી. ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનો યોગ્ય સમય ત્યારે ગણાય છે જ્યારે માથાનો કોઈ ભાગ 70 થી 100 ટકા સુધી ખાલી થઈ ચૂક્યો હોય.

નોંધ: આ માહિતી સંશોધન અભ્યાસો અને નિષ્ણાતોના મત પર આધારિત છે. તેને મેડિકલ સલાહનો વિકલ્પ ન ગણવો. કોઈ પણ સારવાર કરાવતા પહેલાં તમારા ડૉક્ટરની સલાહ લેવી.