સત્ય. સાહસ. સંકલ્પ.

પંચમહાલ: હડફ ડેમના 3 ગેટ ખોલાયા, નદીમાં 16,368 ક્યુસેક પાણી છોડાયું

પંચમહાલ: હડફ ડેમના 3 ગેટ ખોલાયા, નદીમાં 16,368 ક્યુસેક પાણી છોડાયું

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. આ ભારે વરસાદને કારણે હડફ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ડેમની જળસપાટી 166.15 મીટરે પહોંચી ગઈ છે, જે તેના નિર્ધારિત રૂલ લેવલ 166.20 મીટરની ખૂબ નજીક છે. ડેમની ભયજનક સપાટી નજીક આવતાં જળસ્તર જાળવી રાખવા માટે ડેમના દરવાજા ખોલવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

હડફ ડેમ વિભાગના જણાવ્યા મુજબ, કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે હાલ ડેમમાં પ્રતિ સેકન્ડ 16,000 ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડેમ ઓથોરિટી દ્વારા હડફ ડેમના 3 ગેટ 4 ફૂટ સુધી ખોલી દેવામાં આવ્યા છે. આ ગેટમાંથી 16,368 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવી રહ્યું છે.

ડેમ વિભાગે જણાવ્યું છે કે, ઉપરવાસમાંથી પાણીની આવક સતત વધી રહી છે. જો જરૂર પડશે તો નદીમાં 25,000 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવી શકે છે. ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી હડફ નદીના હેઠવાસમાં આવેલા અને કિનારે વસેલા તમામ ગામોના લોકોને તંત્ર દ્વારા સાવચેત કરી દેવામાં આવ્યા છે. ગ્રામજનો તથા સ્થાનિકોને નદી કિનારે કે કોઝવે તરફ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે.