સત્ય. સાહસ. સંકલ્પ.

એચ-1બી વિઝા ફ્રોડ પર ટ્રમ્પનો કડક કાયદો: દંડ 2.5 લાખ ડોલર, 10 વર્ષ સુધી બહિષ્કારની જોગવાઈ

એચ-1બી વિઝા ફ્રોડ પર ટ્રમ્પનો કડક કાયદો: દંડ 2.5 લાખ ડોલર, 10 વર્ષ સુધી બહિષ્કારની જોગવાઈ

વોશિંગ્ટન: અમેરિકન હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં એચ-1બી વિઝા ફ્રોડ સામે કડક પગલાં લેતું નવું બિલ રજૂ કરવામાં આવ્યું છે. રિપબ્લિકન પ્રતિનિધિ બેથ વાન ડુઇન અને અન્ય પાંચ સભ્યોએ 1 ઓક્ટોબર, 2026ના રોજ આ બિલ રજૂ કર્યું હતું. બિલ હાઉસની જ્યુડિશિયરી સમિતિને મોકલવામાં આવ્યું છે.

પ્રસ્તાવિત જોગવાઈઓ મુજબ, વિઝા કાર્યક્રમના નિયમોનો ભંગ કરનારી કંપનીને મહત્તમ 2.50 લાખ ડોલર સુધીનો દંડ થઈ શકે છે. ગંભીર ભંગ બદલ કંપની કે માલિકને 10 વર્ષ સુધી પ્રોગ્રામમાંથી બાકાત રાખવાની સજા થઈ શકે છે. દંડની રકમ વિઝાધારકો પર નહીં, પરંતુ વિઝા ક્વોટા માટે અરજી કરનારી કંપનીઓ પર લાગુ પડશે.

વિવિધ કેટેગરીના દંડમાં પણ મોટો વધારો પ્રસ્તાવિત છે. ગંભીર કેટેગરીમાં દંડ 35,000 ડોલરથી વધારીને 2.50 લાખ ડોલર કરવામાં આવ્યો છે. અન્ય કેટેગરીમાં 5,000 ડોલરના દંડને વધારીને 1 લાખ ડોલર સુધી કરવામાં આવ્યો છે. પ્રોગ્રામમાંથી બાકાત રાખવાનો સમયગાળો 2 વર્ષથી વધારીને 5 વર્ષ કરવામાં આવ્યો છે.

એક કેટેગરીમાં 250થી 2,000 ડોલરનો દંડ હતો, જે હવે 1,000થી 10,000 ડોલર થશે. ચાર ગંભીર કેટેગરીમાં 2,000થી 5,000 ડોલરની પેનલ્ટી વધારીને 20,000થી 50,000 ડોલર કરવામાં આવી છે.

આ બિલ હજુ કાયદો બન્યો નથી. તેને અમેરિકન કોંગ્રેસના બંને ગૃહોમાંથી પસાર થવું પડશે અને પ્રમુખની સહી બાદ જ કાયદો બનશે. જો કે, એચ-1બી વિઝા પ્રોગ્રામમાં ભારતનો હિસ્સો સૌથી વધુ હોવાથી, આ નિયમોની સૌથી વધુ અસર ભારતીય પ્રોફેશનલ્સ અને ટેકનોલોજી કંપનીઓ પર પડવાની શક્યતા છે.