અમેરિકામાં ટ્રમ્પ પ્રશાસને H-1B વિઝા પર 1,00,000 ડૉલરની ફી વસૂલવાના આદેશને વધુ એક વર્ષ માટે લંબાવી દીધો છે. વ્હાઇટ હાઉસે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ આ અંગે નવો આદેશ જાહેર કર્યો, જેમાં H-1B વિઝાના ઉપયોગ પર કડક દેખરેખ રાખવાની વાત કરવામાં આવી છે. આ નિર્ણયની સીધી અસર ભારતીય ટેક પ્રોફેશનલ્સ પર પડશે.
ટ્રમ્પ પ્રશાસને 2025માં H-1B વિઝા માટે 1,00,000 ડૉલરની ફીનો આદેશ જાહેર કર્યો હતો. તે પહેલાં આ ફી સામાન્ય રીતે 2,000થી 5,000 ડૉલરની વચ્ચે હતી. આ આદેશ સપ્ટેમ્બર 2026માં પૂરો થવાનો હતો, જેને હવે લંબાવવામાં આવ્યો છે.
નવા આદેશમાં એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે કેટલીક કંપનીઓ અને આઉટસોર્સિંગ ફર્મો H-1B વ્યવસ્થાનો દુરુપયોગ કરી રહી છે. વ્હાઇટ હાઉસના દાવા મુજબ, H-1B વિઝા ધારકોને સમાન કામ કરતા અમેરિકન કર્મચારીઓની તુલનામાં વાર્ષિક 9,000થી 20,000 ડૉલર સુધીનું ઓછું વેતન આપવામાં આવે છે. રિપોર્ટ અનુસાર, 2022થી 2026 વચ્ચે ટેક સેક્ટરમાં 8 લાખથી 13 લાખ અમેરિકન કર્મચારીઓની છટણી થઈ છે, જ્યારે કંપનીઓએ મોટી સંખ્યામાં H-1B કર્મચારીઓ માટે અરજી કરી છે. ખાસ કરીને એવી કંપનીઓ પર નજર રાખવામાં આવશે જેના પર ઓછો પગાર આપીને સ્થાનિક અમેરિકનોની નોકરી છીનવવાનો આરોપ છે.
H-1B એ અમેરિકાનો એક એવો વિઝા છે, જેના દ્વારા અમેરિકન કંપનીઓ વિદેશમાંથી પીએચડી કે વિશેષ કૌશલ્ય ધરાવતા નિષ્ણાતોને નોકરી માટે બોલાવી શકે છે. ટેક્નોલૉજી, એન્જિનિયરિંગ અને અન્ય વિશેષ ક્ષેત્રોમાં તેનો મોટા પાયે ઉપયોગ થાય છે. ભારત અને ચીનના પ્રોફેશનલ્સ માટે આ વિઝા અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે મોટી સંખ્યામાં ભારતીય ટેક પ્રોફેશનલ્સ આ જ વ્યવસ્થા હેઠળ અમેરિકામાં કામ કરે છે.
આ ફીને લઈને કાનૂની લડાઈ પણ ચાલી રહી છે. અગાઉ અમેરિકાની એક અદાલતે આ ફીને ગેરકાયદે ગણાવતા સરકારને ફી વસૂલવાથી રોકી હતી. હાલમાં આ મુદ્દો કોર્ટમાં વિચારણા હેઠળ છે.
બીજી બાજુ, ઉદ્યોગ જગતનું માનવું છે કે અમેરિકામાં અનેક ક્ષેત્રોમાં કુશળ વિશેષજ્ઞોની અછત છે અને આ વિઝા કંપનીઓને જરૂરી પ્રતિભા મેળવવામાં મદદ કરે છે. પરંતુ આ મોંઘી ફી અને કડક નિયમોના કારણે વિદેશથી કર્મચારી લાવવાનું ખર્ચાળ બનશે, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં નોકરી મેળવવાનો માર્ગ વધુ મુશ્કેલ બની શકે છે. આ પડકારોને જોતાં કેટલીક મોટી ટેક કંપનીઓ પહેલેથી જ ભારતમાં પોતાનું કામ વધારવાની દિશામાં આગળ વધી રહી છે.