સત્ય. સાહસ. સંકલ્પ.

એચ-1બી વિઝા ફી સામે 22 રાજ્યો કોર્ટમાં, ટ્રમ્પ સરકારને પ્રસ્તાવ પાછો ખેંચવા માંગ

એચ-1બી વિઝા ફી સામે 22 રાજ્યો કોર્ટમાં, ટ્રમ્પ સરકારને પ્રસ્તાવ પાછો ખેંચવા માંગ

વોશિંગ્ટન: અમેરિકામાં એચ-1બી વિઝા પર 1 લાખ ડોલરની ફી લંબાવવાના ટ્રમ્પ સરકારના નિર્ણય સામે 22 રાજ્યોએ કોર્ટમાં કેસ કર્યો છે. આ રાજ્યોના એટર્ની જનરલોએ આ નિર્ણયને ગેરકાયદે ગણાવ્યો છે અને કહ્યું છે કે તેનાથી શિક્ષણ અને સ્વાસ્થ્ય સેવાઓમાં શિક્ષકો, ડોક્ટરો અને નર્સોની અછત વધશે.

એટર્ની જનરલોએ અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સેવા વિભાગને પત્ર લખીને આ પ્રસ્તાવ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે. તેમની દલીલ છે કે વહીવટી તંત્રને સંસદની મંજૂરી વિના આટલી મોટી ફી લાદવાનો અધિકાર નથી.

ટ્રમ્પ સરકારે એચ-1બી વિઝા પર 1 લાખ ડોલરની ફી એક વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો હતો, જેનાથી ભારતીય પ્રોફેશનલ્સ અને અમેરિકન કંપનીઓને અસર થશે. આ કેસ એચ-1બી પ્રોગ્રામ પર નિર્ભર કંપનીઓ અને ભારતીય પ્રોફેશનલ્સ માટે મહત્વનો છે.

ટીકાકારોનું કહેવું છે કે આ ફી માત્ર ટેક્નોલોજી ક્ષેત્ર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ શિક્ષકો, ડોક્ટરો અને નર્સોની અછત સામનો કરી રહેલી સંસ્થાઓ પર સીધી અસર પડશે. આનાથી સ્થાનિક અને રાજ્ય સ્તરની સંસ્થાઓ માટે કુશળ વિદેશી પ્રોફેશનલ્સની નિમણૂક લગભગ અશક્ય બની જશે.

વર્જિનિયાના એટર્ની જનરલ જે જોન્સે ટ્રમ્પ સરકારની ટીકા કરતાં કહ્યું કે એચ-1બી પ્રોફેશનલ્સ કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરીને 'અમેરિકન ડ્રીમ' જીવવા આવે છે અને તેઓ સમાજમાં માનવીય અને સામાજિક યોગદાન આપે છે.