સત્ય. સાહસ. સંકલ્પ.

H-1B વિઝા સંકટ: નોકરી જતાં અમેરિકામાં લોન લઈને ઘર ખરીદનારા ભારતીયો મુશ્કેલીમાં

H-1B વિઝા સંકટ: નોકરી જતાં અમેરિકામાં લોન લઈને ઘર ખરીદનારા ભારતીયો મુશ્કેલીમાં

અમેરિકામાં H-1B વિઝા અને નોકરીની અનિશ્ચિતતાને કારણે ભારતીય પરિવારો સામે નવી મુશ્કેલીઓ ઊભી થઈ છે. ટેક્સાસના ડલાસ-ફોર્ટવર્થ વિસ્તારમાં ઘર, ગાડી અને મોર્ગેજની જવાબદારી હોવા છતાં ઘણા પરિવારોને ભારત પાછા ફરવું પડી રહ્યું છે.

ડલાસ અને ઉત્તર ટેક્સાસના શહેરોમાં ભારતીય આઇટી પ્રોફેશનલોની મોટી સંખ્યા છે, જે સ્થાનિક રિયલ એસ્ટેટ બજારની માંગનો મુખ્ય આધાર હતા. એક સ્થાનિક બિલ્ડરના જણાવ્યા અનુસાર, પહેલાં તેમના લક્ઝરી ઘરોના વેચાણમાં દક્ષિણ એશિયાઈ (મુખ્યત્વે ભારતીય) ખરીદદારોનો હિસ્સો 70% સુધી હતો, જે હવે ઘટીને 30%થી પણ નીચે આવી ગયો છે. કોવિડ દરમિયાન ઘરો સસ્તા હોવાથી ઘણા ભારતીયોએ મોટી રકમની મોર્ગેજ લોન લઈને ઘર ખરીદ્યા હતા. પરંતુ હવે નોકરીઓ છૂટી જતાં આ ભારે મોર્ગેજના હપ્તા ભરવા અશક્ય બની ગયા છે.

નોકરી ગયા પછી ઘર વેચીને સુરક્ષિત રીતે પરત ફરવું પણ આ પરિવારો માટે પડકારજનક બન્યું છે. ઘર વેચવામાં મહિનાઓનો સમય લાગે છે અને તે દરમિયાન મોર્ગેજ ચાલુ રાખવું પડે છે. પ્રોપર્ટીની બજાર કિંમત ઘટવાથી અને લોન ચૂકવવાની બાકી હોવાથી ઘર વેચવા જતાં મોટો આર્થિક ફટકો પડે છે. આ સ્થિતિમાં ઘર વેચ્યા વગર કે લોનની જવાબદારી છતાં પરિવારો ઘર મૂકીને ભારત આવવાનો નિર્ણય લઈ રહ્યા છે.

આ સમસ્યા માત્ર H-1B પૂરતી મર્યાદિત નથી. L-1 જેવા એમ્પ્લોયર-લિંક્ડ વિઝા ધરાવતા લોકો પર પણ અસર પડી છે. US Department of Homeland Security (DHS) દ્વારા H-1B અને L-1 વિઝા ધારકો માટે નોકરી છૂટ્યા પછી મળતા 60 દિવસના ગ્રેસ પીરિયડને રદ કરવાની દરખાસ્ત મૂકાઈ છે. ભલે આ હજુ માત્ર દરખાસ્ત હોય, પરંતુ આના કારણે અમેરિકામાં કાયદેસર સ્ટેટસ અને નોકરીની સુરક્ષા પર મોટા પ્રશ્નાર્થ ઊભા થયા છે.

ગુજરાત માટે આ વિષય સંવેદનશીલ છે, કારણ કે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોના ઘણા યુવાનો H-1B વિઝા પર અમેરિકામાં ટેક, એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ ક્ષેત્રે કાર્યરત છે. H-1B અને ગ્રીનકાર્ડની લાંબી રાહ તથા અનિશ્ચિતતાના કારણે હવે ગુજરાતમાંથી કાયમી વસવાટ માટે EB-5 (ઇન્વેસ્ટર વિઝા) જેવા વિકલ્પો અંગેની પૂછપરછમાં નોંધપાત્ર વધારો થયો છે.