સત્ય. સાહસ. સંકલ્પ.

H-1B વિઝા, PERM અને ગ્રીન કાર્ડ વચ્ચે શું તફાવત? અમેરિકામાં કામથી કાયમી વસવાટ સુધીની પ્રક્રિયા સમજો

H-1B વિઝા, PERM અને ગ્રીન કાર્ડ વચ્ચે શું તફાવત? અમેરિકામાં કામથી કાયમી વસવાટ સુધીની પ્રક્રિયા સમજો

અમેરિકામાં કામ કરવા જતા ભારતીયો, ખાસ કરીને ગુજરાતીઓ માટે H-1B વિઝા, PERM અને ગ્રીન કાર્ડ એ ત્રણ એવા શબ્દો છે જે વારંવાર સંભળાય છે, પણ તેમાંનો તફાવત ઘણાને સ્પષ્ટ નથી હોતો. આ ત્રણેય એક જ પ્રવાસના અલગ અલગ તબક્કા છે. ટૂંકમાં સમજીએ તો, H-1B એ કામચલાઉ રીતે અમેરિકામાં કામ કરવાનો માર્ગ છે, PERM એ કાયમી ગ્રીન કાર્ડ માટેની પ્રક્રિયાનું એક પગથિયું છે, અને ગ્રીન કાર્ડ એ અમેરિકામાં કાયમી નિવાસનો દરજ્જો આપે છે.

H-1B વિઝા શું છે?

H-1B વિઝા વિદેશી કામદારોને અમેરિકામાં એવી નોકરીઓ કરવા માટે કામચલાઉ પરવાનગી આપે છે, જેમાં ખાસ કૌશલ્યોની જરૂર હોય. તેનો ઉપયોગ મુખ્યત્વે IT, એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને ટેક્નોલોજી જેવા ક્ષેત્રોમાં થાય છે. સામાન્ય રીતે અમેરિકન કંપની જ કર્મચારી વતી આ વિઝા માટે અરજી કરે છે.

આ નોકરી માટે સંબંધિત ક્ષેત્રમાં ખાસ જ્ઞાન અને સામાન્ય રીતે બેચલરની ડિગ્રી કે તેની સમકક્ષ લાયકાત જરૂરી હોય છે. H-1B નો પ્રારંભિક સમયગાળો ત્રણ વર્ષ સુધીનો હોઈ શકે છે અને સામાન્ય સંજોગોમાં તેને વધારીને કુલ છ વર્ષ સુધી લંબાવી શકાય છે. કેટલાક ખાસ કિસ્સામાં આ સમયગાળાથી પણ વધારે લંબાવવાની શક્યતા હોય છે. પરંતુ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે H-1B વિઝા મળવાથી વ્યક્તિને અમેરિકામાં કાયમી ધોરણે રહેવાનો અધિકાર મળી જતો નથી.

PERM શું છે અને તેની જરૂર શા માટે પડે છે?

PERMનું પૂરું નામ ‘પ્રોગ્રામ ઇલેક્ટ્રોનિક રિવ્યૂ મેનેજમેન્ટ’ છે. આ અમેરિકાના શ્રમ વિભાગ (યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર)ની કાયમી શ્રમ પ્રમાણપત્રની પ્રક્રિયા છે. જ્યારે કોઈ અમેરિકન કંપની કાયમી પદ માટે વિદેશી કામદારને રાખવા માંગતી હોય, ત્યારે ઘણી વાર તેણે પહેલા PERM પ્રક્રિયા પૂરી કરવી પડે છે.

આ પ્રક્રિયામાં કંપનીએ સાબિત કરવું પડે છે કે તે નોકરી માટે પૂરતા લાયક અમેરિકન કામદારો ઉપલબ્ધ નથી, અને વિદેશી કામદારને રાખવાથી અમેરિકન કામદારોના વેતન કે કામની પરિસ્થિતિઓ પર ખરાબ અસર પડશે નહીં. પદ માટેનું વેતન નક્કી કરવું, ભરતીના જરૂરી પગલાં પૂરાં કરવા અને અરજી સબમિટ કરવી — આ બધું આ પ્રક્રિયામાં આવે છે. PERM મંજૂર થયા પછી કંપની સામાન્ય રીતે કર્મચારી માટે I-140 ઇમિગ્રેશન અરજી દાખલ કરે છે. એક વાત યાદ રાખવી જરૂરી છે: દરેક ગ્રીન કાર્ડ શ્રેણી માટે PERM પ્રમાણપત્ર જરૂરી હોતું નથી.

ગ્રીન કાર્ડ શું છે?

ગ્રીન કાર્ડ અમેરિકામાં કાયમી નિવાસનો પુરાવો છે. તે મળ્યા પછી વ્યક્તિ દેશમાં કાયમી ધોરણે રહી શકે છે અને નિયમોને આધીન રહીને કામ પણ કરી શકે છે. રોજગારના આધારે ગ્રીન કાર્ડ મેળવવા માટે EB-2 અને EB-3 જેવી શ્રેણીઓ છે. પાત્રતાના આધારે કેટલીક અરજીઓમાં અમેરિકન કંપનીની સ્પોન્સરશિપ અને PERM મંજૂરીની જરૂર પડે છે, જ્યારે અન્ય શ્રેણીઓ માટે અલગ નિયમો લાગુ પડે છે.

રોજગાર-આધારિત અરજીઓમાં સામાન્ય રીતે PERM મંજૂરી, I-140 મંજૂરી (જ્યાં લાગુ પડતું હોય ત્યાં) અને ત્યારબાદ કાયમી નિવાસ માટેની અરજી કે વિઝા ઉપલબ્ધ થતાં વિદેશથી ઇમિગ્રન્ટ વિઝાની પ્રક્રિયા સામેલ હોય છે. ભારતીય અરજદારોને તેમની ચોક્કસ શ્રેણી અને ‘પ્રાયોરિટી ડેટ’ (અગ્રતા તારીખ)ના આધારે વિઝા મળવાની રાહ લાંબા સમય સુધી જોવી પડી શકે છે.

ત્રણેય વચ્ચેના મુખ્ય તફાવતો

સરળ શબ્દોમાં કહીએ તો, H-1B એ અમેરિકામાં કામચલાઉ રોજગાર માટેનો રસ્તો છે. PERM એ રોજગાર-આધારિત ગ્રીન કાર્ડની ઘણી અરજીઓનું એક તબક્કું છે. અને ગ્રીન કાર્ડ કાયમી નિવાસનો અધિકાર આપે છે. H-1B વિઝા પર કામ કરવાથી વ્યક્તિ આપોઆપ ગ્રીન કાર્ડ માટે પાત્ર બની જતી નથી. તેના માટે રોજગાર, લાયકાત, કંપનીની સ્પોન્સરશિપ અને ઇમિગ્રેશન નિયમોના આધારે અલગ અરજી પ્રક્રિયા પૂરી કરવી પડે છે.

તેથી, અમેરિકામાં કામ કરવાનું આયોજન કરતી વખતે તમારા વિઝાની શરતો, કંપનીની ગ્રીન કાર્ડ સ્પોન્સરશિપ નીતિ અને સંબંધિત શ્રેણી માટેની પાત્રતાના માપદંડો સમજવા જરૂરી છે. ઇમિગ્રેશનના નિયમોમાં ફેરફાર થઈ શકે છે, તેથી અરજી કરતા પહેલા હંમેશા અમેરિકી સરકારની અધિકૃત વેબસાઇટ પરની તાજેતરની માહિતી તપાસી લેવી.