સુરેન્દ્રનગર શહેરમાં જીમની આડમાં મહિલાઓના અંગત ફોટા પાડી બ્લેકમેલિંગ કરવાનો ગંભીર કેસ સામે આવ્યો છે. દુધરેજ રોડ અને વઢવાણ 80 ફૂટ રોડ પર આવેલ 'ક્લબ 71' જીમના સંચાલક અમીન મુલતાનીએ મહિલાઓના ગુપ્ત ફોટા પાડીને બ્લેકમેલ કર્યાની ફરિયાદ ભોગ બનનાર મહિલાએ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરતા એએસપી સહિતની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે સંચાલક અમીન મુલતાની અને બે મહિલાઓ સહિત કુલ 4 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. એક જીમ સીલ કરી મોબાઈલ અને પેન ડ્રાઈવ કબ્જે કરવામાં આવ્યા છે. વધુમાં, આ સંચાલક વ્યાજવટાવનો ધંધો પણ કરતો હોવાનું સામે આવ્યું છે.
આ પ્રકારની ઘટનાઓ અગાઉ પણ બની છે. 24 મે 2023એ અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જીમ ટ્રેનર પર જીમમાં આવતી મહિલા સાથે છેડતીનો આરોપ લાગ્યો હતો. નિલેશ ચૌહાણ નામના જીમ ટ્રેનરે મહિલા પાસે અશ્લીલ ફોટોની માગ કરી હતી. મહિલાએ આ વાત તેના પતિને કહી દેવાની ચેતવણી આપતા આરોપીએ મારી નાખવાની ધમકી આપી હતી. ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો.
સુરતમાં જીમ ટ્રેનરે મહિલાને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલિંગ અને ખંડણી વસૂલવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો હતો. આરોપી સબ્બીરે જીમમાં આવતી મહિલા સાથે સંબંધ બાંધી અંગત ફોટા-વીડિયો મેળવી લીધા હતા. બાદમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી મહિલાના પતિ પાસે ₹5 લાખની ખંડણી માંગી હતી. પરિવારે ગભરાઈને ₹50 હજાર આપ્યા હોવા છતાં ધમકીઓ ચાલુ રહેતા પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. એસ.ઓ.જી. ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી.
જૂન 2023માં સુરત શહેરના બેગમપુરા વિસ્તારમાં બે સંતાનની માતાને જીમ ટ્રેનરે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવાની લાલચ આપી પતિ સાથે છૂટાછેડા લેવડાવ્યા હતા. છૂટાછેડા બાદ આ મહિલા જીમ ટ્રેનર સાથે લીવ ઈનમાં રહેતી. પણ ગણતરીના દિવસોમાં જ નાની નાની વાતોમાં ઝઘડા કરી જીમ ટ્રેનરે મારી નાખવાની ધમકી આપતા મહિલાએ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ અને માર માર્યાની ફરિયાદ નોંધાવી. જે બાદ જીમ ટ્રેનરની ધરપકડ કરવામાં આવી હતી.
જીમમાં આવતી મહિલા-યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરાતી હોવાની ફરિયાદો ઉઠતા સુરત પોલીસે જીમ સંચાલકો સાથે બેઠક યોજી સ્પષ્ટ સૂચના આપી હતી. જીમમાં હવે વોઈસ રેકોર્ડિંગ સાથેના સીસીટીવી રાખવાના રહેશે. જીમ ટ્રેનરની નિમણૂક કરતા પહેલા તેનું વેરિફિકેશન કરાવવાનું રહેશે. જીમમાં આવતી મહિલા-યુવતીઓને ટ્રેનર પર્સનલ મેસેજ કરી શકશે નહીં. જો પર્સનલ મેસેજ કરી કનડગત કરતા ઝડપાશે તો જીમ સંચાલક સામે પણ કાર્યવાહી કરાશે.