સત્ય. સાહસ. સંકલ્પ.

SIR વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે NDA સાથી પક્ષોની ચિંતા, સ્પષ્ટતાની માંગ

SIR વિવાદ: મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામે NDA સાથી પક્ષોની ચિંતા, સ્પષ્ટતાની માંગ

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંગેના એક મીડિયા રિપોર્ટ પછી ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સામેનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. સત્તારૂઢ NDA ગઠબંધનના સાથી પક્ષોએ પણ ચિંતા વ્યક્ત કરી છે અને કમિશનર પાસે સ્પષ્ટતા માંગી છે, જ્યારે વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરી રહ્યું છે.

કેન્દ્ર સરકારના સહયોગી પક્ષ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના નેતા અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ સમગ્ર મામલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. તેમણે ચૂંટણી પંચને જનતા સામે પોતાનો પક્ષ મજબૂતાઈથી રજૂ કરવા આહ્વાન કર્યું હતું.

બીજી તરફ ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે તમામ નિર્ણયો પરસ્પર સહમતિથી લેવામાં આવ્યા છે. એકબીજા સાથે અસંમત હોવું તે તંદુરસ્ત લોકશાહીનો જ એક ભાગ છે.

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમને સરકારી સાક્ષી બનવાની સલાહ આપતા રાજીનામાની માંગ કરી હતી. આ ઉપરાંત ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી નવીન પટનાયક અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીએ પણ મતદાર યાદીમાંથી 30 લાખ નામ કપાવાના દાવા સાથે સવાલો ઉઠાવ્યા હતા અને SIR પ્રક્રિયા પર પુનઃવિચારણા કરવાની માંગ કરી હતી.

વિપક્ષો અને વિવિધ સંગઠનો આ મુદ્દે આક્રમક જોવા મળી રહ્યા છે. કોંગ્રેસે આજે સમગ્ર દેશમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે અને તેની રૂપરેખા પણ જાહેર કરી છે. પાર્ટી તબક્કાવાર વિરોધ પ્રદર્શન કરશે.

આ વિવાદ વચ્ચે કોકરોચ જનતા પાર્ટી (CJP)એ પણ આક્રમક વલણ અપનાવ્યું છે અને 24 કલાકનું અલ્ટીમેટમ આપતા ચેતવણી આપી છે કે જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો આગામી 2 ઓક્ટોબરથી મુંબઈથી દેશવ્યાપી આંદોલન શરૂ કરવામાં આવશે.

ચૂંટણી પંચની નિષ્પક્ષતા અને પારદર્શિતા સામે ઊભા થયેલા આ સવાલોને કારણે દેશના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે અને આગામી દિવસોમાં આ મામલો વધુ વેગ પકડે તેવી સંભાવના છે.