સત્ય. સાહસ. સંકલ્પ.

ગ્વાલિયર: શીતળા માતા મંદિર પાસે ટ્રકે 45 શ્રદ્ધાળુઓને કચડ્યા, 13ના મોત, 29 ઘાયલ

ગ્વાલિયર: શીતળા માતા મંદિર પાસે ટ્રકે 45 શ્રદ્ધાળુઓને કચડ્યા, 13ના મોત, 29 ઘાયલ

ગ્વાલિયરમાં શીતળા માતા મંદિર પાસે શનિવાર-રવિવારની મધ્યરાત્રિએ લગભગ 1:30 વાગ્યે એક ઝડપી ટ્રકે આશરે 45 શ્રદ્ધાળુઓને કચડી નાખ્યા. આ દુર્ઘટનામાં 13 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. મૃતકોમાં મહિલાઓ, બાળકો અને વૃદ્ધો પણ સામેલ છે. ઇજાગ્રસ્તોને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત 2 પોલીસકર્મીઓ સહિત 29 લોકો ઘાયલ છે, જેમાંથી 7ની હાલત ગંભીર છે. તમામ શ્રદ્ધાળુઓ દેવી દર્શન માટે શીતળા માતા મંદિર ગયા હતા. દુર્ઘટના ચીનોર રોડના ઢાળ પાસે થઈ.

કલેક્ટર રુચિકા ચૌહાણના જણાવ્યા મુજબ, ટ્રક શ્રદ્ધાળુઓ અને રસ્તાની બાજુએ આવેલી દુકાનોને કચડતી વખતે મંદિરના એન્ટ્રી ગેટ સાથે અથડાઈ ગઈ. ટક્કરથી મંદિરની દીવાલ ધરાશાયી થઈ ગઈ. દીવાલ પડવાથી 40-50 લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.

ઘાયલના સ્વજન ગજેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે તેમના સાળા શીતળા માતા મંદિર પર દુકાન લગાવતા હતા. તેઓ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. ગજેન્દ્રના જણાવ્યા મુજબ, ઘાયલે કહ્યું કે દુર્ઘટના કેવી રીતે થઈ, તેનો ખ્યાલ જ ન આવ્યો. ચારેય તરફ માત્ર ધૂમાડો જ ધૂમાડો દેખાઈ રહ્યો હતો.

1000 બેડ ધરાવતી હોસ્પિટલના અધિક્ષક ડો. સુધીર સક્ષેનાએ 13 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમના જણાવ્યા મુજબ, દુર્ઘટનામાં 29 લોકો ઘાયલ થયા છે, જેમાં 7ની હાલત ગંભીર છે. અન્ય હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની માહિતી એકઠી કરવામાં આવી રહી છે. હાલમાં 13 મોતની માહિતી ઉપલબ્ધ છે.

દુર્ઘટના બાદ સ્થળ પર અફરાતફરી મચી ગઈ. બૂમાબૂમ વચ્ચે લોકો પોતાના સ્વજનોને શોધવા લાગ્યા. સ્થાનિક લોકોએ પોલીસ અને વહીવટીતંત્ર સાથે મળીને ઘાયલોને બહાર કાઢ્યા અને હોસ્પિટલ પહોંચાડ્યા. કોઈના માથામાં ઈજા પહોંચી હતી, તો કોઈનો હાથ ભાંગી ગયો હતો. સ્થળ પર લાંબા સમય સુધી બચાવ કામગીરી ચાલુ રહી.

દુર્ઘટના પછી કલેક્ટર રુચિકા ચૌહાણ અને એસપી હોસ્પિટલ પહોંચ્યા. તેમણે ઘાયલો સાથે મુલાકાત કરીને તેમની તબિયત પૂછી અને ડોક્ટરો પાસેથી સારવારની માહિતી લીધી. અધિકારીઓએ ઘાયલોને શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ કરાવવાના નિર્દેશ આપ્યા.

દુર્ઘટનામાં જીવ ગુમાવનારી સરલા તોમરના ભત્રીજા લોકેન્દ્ર સિંહ તોમરે ટ્રકના પ્રવેશ પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું કે જ્યારે તંત્ર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા કરાઈ હતી, તો ટ્રક અંદર કેવી રીતે આવી અને તેને પાછળથી એન્ટ્રી કોણે આપી? લોકેન્દ્રએ જણાવ્યું કે તેમના કાકી શીતળા માતા મંદિરમાં દર્શન કરવા જઈ રહ્યા હતા. તેમણે દુર્ઘટના માટે જવાબદાર લોકો પાસે જવાબ માંગ્યો.

દુર્ઘટનાના લગભગ 15 મિનિટ પહેલાં સુધી એસએસપી ધર્મવીર સિંહ તે જ જગ્યાએ ટ્રાફિક વ્યવસ્થા સંભાળી રહ્યા હતા. તેમના સ્થળ પરથી નીકળ્યાના થોડા સમય પછી જ બેકાબૂ ટ્રક શ્રદ્ધાળુઓની ભીડમાં ઘૂસી ગઈ.

કલેક્ટર રુચિકા ચૌહાણના જણાવ્યા મુજબ, રાત્રે લગભગ 1:30 વાગ્યે સૂચના મળી હતી કે ચીનોર તરફથી ઊંચા રોડ પરથી આવી રહેલી એક ટ્રક અનિયંત્રિત થઈને મંદિર તરફ ઘૂસી ગઈ. સ્થળ પર લાગેલા સ્ટોપર પણ તૂટેલા મળ્યા છે. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 5ની હાલત ગંભીર છે. આ સિવાય 29 લોકો ઘાયલ છે.