પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં બલૂચિસ્તાન લિબરેશન ફ્રન્ટ (BLF)એ ગ્વાદર શહેરમાં પાકિસ્તાની સેનાના ઠેકાણાઓ પર 'ઓપરેશન અલમાસ' હેઠળ મોટા હુમલા કરવાનો દાવો કર્યો છે. સંગઠને ફ્રન્ટિયર વર્ક્સ ઓર્ગેનાઈઝેશન (FWO)ના કેમ્પ અને માઝાની પોલીસ સ્ટેશન પર કબજો કરવાનો દાવો કર્યો છે. જોકે, પાકિસ્તાની સુરક્ષા દળોએ આ દાવાને ફગાવી દીધો છે અને કહ્યું છે કે તેઓએ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે.
BLFના પ્રવક્તા મેજર ગ્વાહરામ બલોચના જણાવ્યા અનુસાર, સંગઠને ગ્વાદર ઝીરો પોઈન્ટ પર સ્થિત FWO કેમ્પ પર હુમલો કરીને ત્યાં પોતાનો ઝંડો લહેરાવ્યો છે. FWO પાકિસ્તાની સેના સાથે જોડાયેલું એન્જિનિયરિંગ સંગઠન છે, જે ચીન-પાકિસ્તાન આર્થિક કોરિડોર (CPEC) પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. BLFએ દાવો કર્યો છે કે આ લડાઈમાં પાકિસ્તાનની મિલિટરી ઇન્ટેલિજન્સના એક કેપ્ટન અને સ્પેશિયલ સર્વિસ ગ્રુપ (SSG)ના જવાનો માર્યા ગયા છે. સંગઠને માઝાની પોલીસ સ્ટેશન અને ગાબદ વિસ્તારમાં સેનાના કાફલા પર હુમલો કરીને લશ્કરી વાહન નષ્ટ કરવાનો અને સરકારી હથિયારો જપ્ત કરવાનો પણ દાવો કર્યો છે.
બીજી તરફ, પાકિસ્તાની સુરક્ષા સૂત્રોના હવાલેથી સામે આવેલા અહેરાતોમાં આ દાવાઓને ફગાવતા કહેવામાં આવ્યું છે કે સુરક્ષા દળોએ હુમલાનો પ્રયાસ નિષ્ફળ બનાવી દીધો છે અને જવાબી કાર્યવાહીમાં ત્રણ હુમલાખોરો માર્યા ગયા છે. જોકે, બંને પક્ષોના દાવાઓની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી.
ગ્વાદર પાકિસ્તાન અને ચીનના આર્થિક તથા વ્યૂહાત્મક હિતો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તે CPECનું હાર્દ છે. આ હુમલાઓથી પાકિસ્તાનની સેના અને સરકારની ચિંતાઓ વધી ગઈ છે.