સત્ય. સાહસ. સંકલ્પ.

ગુવાહાટીમાં પતિએ પત્નીની હત્યા કરી ફ્રિજમાં માથું છુપાવ્યું

ગુવાહાટીમાં પતિએ પત્નીની હત્યા કરી ફ્રિજમાં માથું છુપાવ્યું

ગુવાહાટી: આસામની રાજધાની ગુવાહાટીના હાટીગામ વિસ્તારમાં એક ભયાનક હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. 30 વર્ષીય રામાનુજ ગોસ્વામીએ પોતાની 25 વર્ષીય પત્ની રિયા તાલુકાદારની હત્યા કરી, તેના શરીરના ટુકડા ફ્રિજમાં છુપાવી દીધા હતા. આ ઘટના દિલ્હીના શ્રદ્ધા વાલ્કર કેસની યાદ અપાવે છે.

રિયાના થોડા મહિના પહેલાં જ રામાનુજ સાથે લગ્ન થયા હતા અને બંને હાટીગામના વસિષ્ઠપુર બાયલેન વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા. રિયા ફેન્સી બજારના એસી માર્કેટમાં આવેલા એક બુટિકમાં કામ કરતી હતી. બાળપણમાં જ તેણે માતા-પિતા ગુમાવ્યા હતા, અને તેનો એક ભાઈ છે.

સોમવારે બંને વચ્ચે કોઈ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, ત્યારબાદ રામાનુજ રાત્રે આઠ વાગ્યે ઘર છોડીને જતો રહ્યો હતો. મંગળવારે ફ્લેટમાંથી તીવ્ર દુર્ગંધ આવતાં પડોશીઓએ પોલીસને જાણ કરી. પોલીસે દરવાજો તોડીને તપાસ કરતાં ઘરમાંથી રિયાનો સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો, જેમાંથી માથું અને આંગળીઓ કપાયેલી હતી. ફ્રિજમાં કાળી પ્લાસ્ટિકની બેગમાં માથું મળી આવ્યું હતું.

હત્યા બાદ રામાનુજ ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસના દબાણને કારણે તેણે સામેથી જઈને સરેન્ડર કર્યું છે. પોલીસે તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી છે. હત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પ્રાથમિક તપાસ મુજબ, હત્યા મૃતદેહ મળ્યાના 24 થી 48 કલાક પહેલાં થઈ હોવાનું અનુમાન છે. પોલીસ અન્ય પાસાઓ પર પણ તપાસ કરી રહી છે.