આસામની રાજધાની ગુવાહાટીના ઉલુબારી વિસ્તારમાં આવેલી 'બિલાસ ઇન' હોટેલમાં શુક્રવારે અજાણ્યા શખ્સો દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસ કમિશનર પાર્થ સારથી મહંતે ઘટનાસ્થળે પહોંચીને મોતની સત્તાવાર પુષ્ટિ કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાખોરોએ હોટેલના રિસેપ્શન પાસે ઉભેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. મૃતકોમાં બે મહિલાઓ સહિત છ લોકોના જૂથ પર સીધું નિશાન સાધવામાં આવ્યું હતું. ઘાયલોમાં હોટેલના કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના પોલીસ સ્ટેશનોની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો. પોલીસ કમિશનરે જણાવ્યું કે, "અમે ઘટનાસ્થળેથી ચાર મૃતદેહો કબજે કર્યા છે અને તેમને પોસ્ટમોર્ટમ માટે ગુવાહાટી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) ખાતે મોકલી આપ્યા છે. પોલીસની ટીમો તપાસમાં લાગી ગઈ છે અને ટૂંક સમયમાં ગુનેગારોને પકડી પાડવામાં આવશે."
હાલમાં હુમલાખોરોની ઓળખ અને હુમલાનું કારણ જાહેર થયું નથી. પોલીસ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે આરોપીઓને પકડવા માટે મેગા સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. હોટેલમાં હાજર અન્ય લોકો અને કર્મચારીઓ પાસેથી પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.
અગાઉ પાંચ લોકોના મોતની અફવાઓ વહેતી થઈ હતી, પરંતુ પોલીસે ચાર મોતની પુષ્ટિ કરી છે. આ ઘટનાથી ગુવાહાટીના હૃદય સમાન વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. પોલીસ દ્વારા વધુ તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં વધુ વિગતો જાહેર થવાની શક્યતા છે.