મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 25-26 સપ્ટેમ્બરે શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશજીની 60મી જન્મજયંતિ નિમિત્તે ‘Aho Gurudev – 60 Years of an Enlightened Existence’ મહોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે 24થી વધુ દેશોના 214 શહેરોમાંથી હજારો ગુરુપ્રેમીઓ અને મહાનુભાવો જોડાયા હતા.
કાર્યક્રમમાં નારાયણ મૂર્તિ, એન. ચંદ્રશેખરન, મોરારી બાપુ અને રણબીર કપૂર સહિતની જાણીતી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. આ અવસરે 30 આધ્યાત્મિક અને 30 સેવાકીય મળીને કુલ 60 વૈશ્વિક પ્રકલ્પોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કેન્સર હોસ્પિટલ, પ્રાણી સેવા કેમ્પસ અને 60 ભાષાઓમાં આત્મસિદ્ધિ શાસ્ત્રનો સમાવેશ થાય છે.
છ દાયકાની અખંડ યાત્રા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરથી લઈને યુએસએ તેમજ વિશ્વભરમાં ફેલાયેલા સેંકડો કેન્દ્રો દ્વારા ચાલે છે. આત્મકલ્યાણને તેમણે આધુનિક યુગની જીવંત સેવાયાત્રામાં પરિવર્તિત કર્યું છે, જેનું પ્રમાણ વિશ્વભરના લાખો સાધકોની સેવા છે.
સેવાકીય પહેલોમાં શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ કેન્સર હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ હોસ્પિટલ અને મેડિકલ કૉલેજ, શ્રીમદ્ રાજચંદ્ર મેન્ટલ હેલ્થ ઇનિશિયેટિવ, તેમજ 60 નવા શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર સેન્ટર્સનો સમાવેશ થાય છે. સમગ્ર ભારતમાં 6 કરોડ લોકો સુધી પહોંચવાના લક્ષ્ય સાથે મલ્ટિ-સ્પેશિયાલિટી મેગા મેડિકલ કેમ્પ્સ તથા એનિમિયા અને વિઝન કેર કેમ્પ્સનું આયોજન કરવામાં આવશે.
ધરમપુરમાં પ્રાણી સેવાના મેગા કેમ્પસ અંતર્ગત શ્રીમદ્ રાજચંદ્ર એનિમલ હોસ્પિટલ, એનિમલ શેલ્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેટરિનરી સાયન્સ અને અહિંસા અવેરનેસ સેન્ટર એમ ચાર સંસ્થાઓનું નિર્માણ થશે. મલાડમાં પણ એનિમલ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે.
શિક્ષણ અને યુવા સશક્તિકરણ ક્ષેત્રે શ્રીમદ્ રાજચંદ્ર દિશા—મફત AI આધારિત કારકિર્દી માર્ગદર્શન પ્લેટફોર્મ, મુંબઈમાં શ્રીમદ્ રાજચંદ્ર સ્કૂલ ફોર સ્પેશિયલ નીડ્સ ચિલ્ડ્રન, તેમજ ગ્રામીણ ભારત માટે શ્રીમદ્ રાજચંદ્ર સર્વમંગલ યુનિવર્સિટીની પરિકલ્પના કરવામાં આવી છે. સાથે શ્રીમદ્ રાજચંદ્ર વનીકરણ પહેલ તથા મહિલા સશક્તિકરણ, સમાજ વિકાસ અને પર્યાવરણ સંરક્ષણ માટેની અનેક અભિયાનો પણ હાથ ધરવામાં આવ્યાં છે.
30 આધ્યાત્મિક પ્રકલ્પોમાં મુંબઈમાં આધ્યાત્મિક કેન્દ્રો, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમમાં શ્રીમદ્ રાજચંદ્ર વેલનેસ સેન્ટર, એકાંત કુટિરો (Solitude Groves) અને શ્રીમદ્ રાજચંદ્ર મ્યુઝિયમ જેવી નવી સુવિધાઓનો સમાવેશ થાય છે. દક્ષિણ અમેરિકામાં છ નવા સત્સંગ કેન્દ્રો શરૂ કરવામાં આવશે.
પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો, પુસ્તકો અને ધ્યાનસાધનાને વિશ્વની આઠ સૌથી વધુ બોલાતી ભાષાઓમાં પહોંચાડવામાં આવશે. 60 પુસ્તકો—10 ભાષાઓમાં છ-છ શીર્ષકો, તેમજ પૂજ્ય ગુરુદેવશ્રી દ્વારા શ્રીમદ્ રાજચંદ્રજીના મહાગ્રંથ ‘આત્મસિદ્ધિ’ના 60 ભાષાઓમાં અનુવાદનો પણ સમાવેશ થાય છે.