સત્ય. સાહસ. સંકલ્પ.

ઇમરાન હાશ્મીની 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર રિલીઝ, જેનિલિયા સાથે રોમેન્ટિક એક્શન

ઇમરાન હાશ્મીની 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર રિલીઝ, જેનિલિયા સાથે રોમેન્ટિક એક્શન

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ 'ગનમાસ્ટર G9'નું ટ્રેલર રિલીઝ થયું છે. આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત આ એક્શન-થ્રિલરમાં ઇમરાન હાશ્મી પાવરફુલ એક્શન અવતારમાં જોવા મળી રહ્યો છે. ટ્રેલરમાં સસ્પેન્સ, ઇમોશન્સ, એક્શન અને હિમેશ રેશમિયાનું રોમેન્ટિક સંગીત જોવા મળે છે.

ટ્રેલરની શરૂઆત સસ્પેન્સ અને હાઈ-વોલ્ટેજ એક્શન દ્રશ્યોથી થાય છે. ફિલ્મમાં ઇમરાન હાશ્મી એવા વ્યક્તિની ભૂમિકા ભજવે છે જે પોતાના પરિવાર અને પ્રેમને બચાવવા માટે કોઈપણ હદ સુધી જવા તૈયાર છે. તેની સાથે જેનિલિયા ડીસૂઝા લીડ એક્ટ્રેસ તરીકે જોવા મળે છે. બંને વચ્ચેની રોમેન્ટિક કેમિસ્ટ્રી ચાહકોને 'આવારાપન'ની યાદ અપાવે છે.

ટ્રેલરમાં સૌથી મોટું સરપ્રાઈઝ અપારશક્તિ ખુરાનાનો વિલન અવતાર છે. અત્યાર સુધી કોમિક અને સોફ્ટ રોલ કરનાર અપારશક્તિએ આ ફિલ્મમાં વિલન તરીકે એન્ટ્રી મારીને ચાહકોને ચોંકાવી દીધા છે. ટ્રેલરમાં ઇમરાન અને અપારશક્તિ વચ્ચેનો ફેસ-ઓફ રૂવાડાં ઊભા કરી દે તેવો છે.

ઇમરાન હાશ્મી અને દિગ્દર્શક આદિત્ય દત્ત આ અગાઉ 'આશિક બનાયા આપને' અને 'દિલ દિયા હે' જેવી ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. લાંબા સમય પછી આ જોડી ફરી એકવાર મોટા પડદા પર ધમાકો કરવા જઈ રહી છે. ફિલ્મનું સંગીત હિમેશ રેશમિયાએ આપ્યું છે, જે ટ્રેલરને વધુ રોમાંચક બનાવે છે.

દીપક મુકુટ અને સોહમ રોકસ્ટાર એન્ટરટેઇન્મેન્ટના બેનર હેઠળ બનેલી આ ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટ્રેલર સામે આવ્યા બાદ ઇમરાન હાશ્મીના ચાહકોમાં આ રોમેન્ટિક એક્શન થ્રિલરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.