સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 30 લાખનો બંગલો બનાવવાનું શરૂ કર્યું

ગુજ્જુ લવગુરુ ચંદનના પરિવાર માટે ખજૂરભાઈએ 30 લાખનો બંગલો બનાવવાનું શરૂ કર્યું

વાવ-થરાદ જિલ્લાના સુઈગામના જાણીતા કોમેડી કન્ટેન્ટ ક્રિએટર ‘ગુજ્જુ લવગુરુ’ ઉર્ફે ચંદન રાઠોડનું અકાળે અવસાન થયું હતું. તેમના નિધન બાદ તેમના પરિવારને મદદ કરવા માટે લોકસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈ આગળ આવ્યા છે. ખજૂરભાઈએ ચંદનના પરિવારને પાકું ઘર બનાવી આપવાનું વચન આપ્યું હતું, જે હવે પૂરું થઈ રહ્યું છે.

ચંદન રાઠોડે પોતાના એક જૂના વ્લોગમાં પરિવારના કાચા મકાનની દયનીય સ્થિતિ દર્શાવી હતી. વીડિયોમાં તેણે દેશી નળિયાં, લાકડાના ટેકા અને પતરાંવાળી છત બતાવી હતી. ચોમાસા દરમિયાન ઘરની છતમાંથી પાણી ટપકતું હોવાની વાત કરતાં તેણે પોતાની આર્થિક પરિસ્થિતિ પણ વ્યક્ત કરી હતી. ચંદને લોકોને પોતાના વ્લોગને સપોર્ટ કરવાની અપીલ કરતાં જણાવ્યું હતું કે, જેથી તે પૂરતા પૈસા કમાઈને પોતાનું પાકું ઘર બનાવી શકે અને અન્ય 10 લોકોને પણ ઘર બનાવી આપવામાં મદદ કરી શકે.

જોકે, ચંદનનું પોતાનું ઘર બનાવવાનું સપનું પૂરું થાય તે પહેલાં જ તેનું અકાળે અવસાન થયું હતું. તેના નિધન બાદ પરિવાર માટે પાકા ઘરની જરૂરિયાત અને ચંદનના અધૂરા સપનાને ધ્યાનમાં રાખીને ખજૂરભાઈએ મદદનો હાથ લંબાવ્યો હતો.

ચંદનના પરિવારને આપેલું વચન પૂરું કરવા માટે ખજૂરભાઈએ નવા મકાનનો પ્લાન તૈયાર કરાવ્યો છે. સામે આવેલી ડિઝાઇન મુજબ, આ મકાન માત્ર પાકું ઘર નહીં, પરંતુ આધુનિક આર્કિટેક્ચર અને આકર્ષક બાહ્ય દેખાવ ધરાવતો બંગલો હશે. તેમાં સ્ટોન ક્લેડિંગ વર્ક, આકર્ષક લાઇટિંગ, વિશાળ પ્રવેશદ્વાર પાસેનો ઓટલો, ખુલ્લી જગ્યા અને ટેરેસ બાલ્કની જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, પરિવારને આરામદાયક રહેઠાણ મળી રહે તે માટે વિશાળ લિવિંગ રૂમ, હવા-ઉજાસવાળા બેડરૂમ્સ, ખુલ્લી ચોકડી અને બાથરૂમની વ્યવસ્થા પણ પ્લાનમાં દર્શાવવામાં આવી છે. ઘરની બહાર ગાર્ડનિંગ માટે જગ્યા રાખવાનું પણ આયોજન છે.

ચંદન રાઠોડના પરિવાર માટે તૈયાર થઈ રહેલા આ મકાનને લઈને સ્થાનિક પંથકમાં અને સોશિયલ મીડિયા પર ખજૂરભાઈના સેવાકાર્યની પ્રશંસા થઈ રહી છે. એક સમયે ચોમાસામાં છતમાંથી પાણી ટપકતું હોવાની ફરિયાદ કરનાર ચંદન પોતાના પરિવાર માટે પાકું ઘર બનાવવાનું સપનું જોતો હતો. હવે તેના અવસાન બાદ આ સપનું પૂરું કરવાની જવાબદારી ખજૂરભાઈએ ઉપાડી છે.

ચંદન આજે પરિવારની સાથે નથી, પરંતુ તેના પરિવારને સુરક્ષિત અને સુવિધાજનક રહેઠાણ મળી રહે તે માટે કરવામાં આવી રહેલો આ પ્રયાસ તેના અધૂરા સપનાને સાકાર કરવાની દિશામાં મહત્વનું પગલું છે. હવે પરિવારને નવા ઘરમાં રહેવા મળવાની આશા સાથે આ બંગલાના બાંધકામ અને તેની પ્રગતિ પર સૌની નજર રહેશે.