થરાદ તાલુકાના સુઈગામથી આવતા અને સોશિયલ મીડિયા પર ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે જાણીતા ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેઓ વિલેજ બોય ટીમ સાથે શૂટિંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. અકસ્માત પહેલાં તેમણે એક પેટ્રોલપંપ પર બાઈકમાં પેટ્રોલ ભરાવ્યું હતું, અને તે જ પેટ્રોલપંપના કર્મચારીઓએ તેમની સાથેની છેલ્લી મુલાકાતની વિગતો જણાવી છે.
પેટ્રોલપંપના વિષ્ણુ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજ્જુ લવ ગુરુ પેટ્રોલ ભરાવવા માટે તેમના પંપ પર આવ્યા હતા. પેટ્રોલ ભરાવ્યા બાદ તેમણે બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બાઈક ચાલુ ન થતાં તેઓ તેને ધસડીને થોડે દૂર લઈ ગયા હતા. ઠાકોરે તેમની બાઈક સ્ટાર્ટ કરી આપી હતી. ત્યારબાદ તેમને ખબર પડી કે તેઓ સોશિયલ મીડિયા પર જાણીતા ‘ગુજ્જુ લવ ગુરુ’ છે. ચંદન રાઠોડે તેમનો આભાર માન્યો હતો અને વીડિયો બનાવવાની વાત પણ કરી હતી, પરંતુ મોડું થતું હોવાથી તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
પેટ્રોલપંપના નરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તે દિવસે ગુજ્જુ લવ ગુરુ તેમના પેટ્રોલપંપ પર પેટ્રોલ ભરાવવા આવ્યા હતા. તેમણે રૂ. 200નું પેટ્રોલ ભરાવી ફોન-પે દ્વારા પેમેન્ટ કર્યું હતું. ત્યાંથી નીકળતી વખતે તેમણે બાઈક સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો, પણ તે ચાલુ ન થયું. એટલે અન્ય વ્યક્તિને મોકલીને બાઈક ચાલુ કરાવવામાં આવ્યું અને તેઓ રવાના થઈ ગયા હતા. તે સમયે ગોસ્વામીને ખબર નહોતી કે તેઓ ગુજ્જુ લવ ગુરુ છે. બાદમાં સોશિયલ મીડિયાની ચર્ચા અને સીસીટીવી ફૂટેજ જોયા પછી તેમને આખી વાતની જાણ થઈ.
અકસ્માત સ્થળે આજે પણ ઘટનાના પૂરાવા પડ્યા છે. 17 સપ્ટેમ્બરે મોતનો માંચડો બાઈક પર બાંધીને બે બાઈકસવાર ભાભર જતા હતા. હરિધામ આશ્રમ પાસે રોડ પર અકસ્માત સર્જાયો હતો, જેમાં ગુજ્જુ લવ ગુરુ ગંભીર રીતે ઘાયલ થઈને રોડ પર પડ્યા હતા. તેમની બાઈકને નુકસાન થયું હતું. બાઈકના આગળના ભાગના તૂટેલા અવશેષો, તેમના ચપ્પલ અને ગમછો અત્યારે પણ ઘટનાસ્થળે પડ્યા છે. જ્યારે મોતનો માંચડો બનાવવા વપરાતો પાલખ પણ સાઈડમાં વાડમાં પડેલો છે.
ચંદન રાઠોડનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમેધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે.
સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઉભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવ્યા અને લોકોને હસાવ્યા. વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી. તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા.