સોશિયલ મીડિયા પર જાણીતા બનેલા 'ગુજ્જુ લવ ગુરુ' ચંદન રાઠોડના અવસાન બાદ તેમના પરિવારને આર્થિક સહારો આપવા માટે લોકોએ ઉદાર હાથે ફાળો આપ્યો છે. આ સહાયનો હિસાબ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નિતીન જાની (ખજૂરભાઈ), 'વિલેજ બોય' ટીમ અને ચંદન રાઠોડના પરિવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કર્યો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું કે દેશ-વિદેશમાંથી લોકોએ મળીને કુલ રૂ. 3.50 કરોડની આર્થિક મદદ આપી છે. જેમાં રૂ. 2.96 કરોડ ઓનલાઇન માધ્યમથી અને રૂ. 53.71 લાખ રોકડ સ્વરૂપે મળ્યા છે.
એકત્રિત થયેલી રકમનો ઉપયોગ પરિવારના ભવિષ્ય માટે કેવી રીતે કરાશે તેનું વિગતવાર આયોજન પણ જાહેર કરાયું. તે મુજબ સ્વ. ચંદન રાઠોડના ભાઈના નામે રૂ. 1 કરોડ, પિતાના નામે રૂ. 40 લાખ, પત્નીના નામે રૂ. 41 લાખ તેમજ બંને બાળકોના નામે રૂ. 41-41 લાખની ફિક્સ ડિપોઝિટ (FD) કરવામાં આવશે. આ ઉપરાંત ચંદનની ત્રણેય બહેનોના નામે રૂ. 11-11 લાખની એફડી કરાશે. કુલ રૂ. 2.63 કરોડની એફડી પરિવારના સભ્યોના નામે કરવાનો નિર્ણય લેવાયો છે.
રોકડ સ્વરૂપે મળેલી રૂ. 53.71 લાખની રકમમાંથી ચંદનના નાના દીકરાના નામે જમીન ખરીદવામાં આવશે.
નિતીન જાનીએ પ્રેસ કોન્ફરન્સમાં જનતાને કેટલીક અપીલ પણ કરી હતી. તેમણે લોકોને વિનંતી કરી હતી કે જ્યાં ચંદનનો અકસ્માત થયો હતો તે જગ્યાએ પાણીની બોટલ, નાળિયેર કે અગરબત્તી મૂકીને કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા ન ફેલાવે. તેમણે સ્પષ્ટ કર્યું કે ચંદનના પિતાનું QR કોડ/સ્કેનર હવે બંધ કરી દેવામાં આવ્યું છે, તેથી હવે કોઈએ પણ ઓનલાઇન નાણાં ટ્રાન્સફર ન કરવા.
ચંદનના પરિવાર માટે નવું મકાન બનાવવાની કામગીરી આસો નવરાત્રિના બીજા નોરતાથી શરૂ કરી દેવામાં આવશે.
પ્રેસ કોન્ફરન્સના અંતે નિતીન જાની, 'વિલેજ બોય' ટીમ અને રાઠોડ પરિવારે આ કપરા સમયમાં પરિવારની વહારે આવેલા તમામ કન્ટેન્ટ ક્રિએટર્સ, સામાજિક અગ્રણીઓ, કલાકારો અને દાનવીર જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.