સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડથી વધુનું દાન, આજે સાંજે 5 વાગ્યે જાહેરાત

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડના પરિવારને ₹3.50 કરોડથી વધુનું દાન, આજે સાંજે 5 વાગ્યે જાહેરાત

વાવ-થરાદ અને સુઈગામ પંથક સહિત સમગ્ર ગુજરાતમાં પોતાની દેશી કોમેડી અને મનોરંજક રીલ્સથી લાખો લોકોના દિલ જીતનાર જાણીતા સોશિયલ મીડિયા કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં કરૂણ મોત થયું હતું.

ચંદન રાઠોડના પરિવારની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથી તેમને લાંબા ગાળે આર્થિક આધાર મળે તે માટે લોકસેવકો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ દ્વારા ક્રાઉડ ફંડિંગની પહેલ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ હેઠળ ₹2 કરોડનું ભંડોળ એકઠું કરવાનો પ્રારંભિક લક્ષ્યાંક નક્કી કરાયો હતો.

જોકે, ગુજરાત, દેશના વિવિધ રાજ્યો તેમજ વિદેશમાં વસતા ગુજરાતીઓએ મુક્ત મને દાનની સરવાણી વહાવી હતી. પરિણામે, નિર્ધારિત ટાર્ગેટ કરતાં પણ વધુ ભંડોળ ખાતામાં જમા થઈ ચૂક્યું છે અને હજુ પણ મદદનો પ્રવાહ ચાલુ છે.

નિર્ધારિત લક્ષ્યાંક કરતાં વધુ રકમ એકત્ર થઈ હોવાથી હવે આગળનું ભંડોળ કઈ રીતે ઉપયોગમાં લેવું તે અંગે મહત્વનો નિર્ણય લેવાશે. સેવાભાવી અગ્રણી નીતિન જાની (ખજૂર ભાઈ), પરિવારના સભ્યો અને આગેવાનો આજે સાંજે 5:00 વાગ્યે એક સંયુક્ત બેઠક યોજશે. બેઠક બાદ યોજાનારી પ્રેસ કોન્ફરન્સમાં સમગ્ર આંકડાની વિગતો અને આ રકમનો પરિવાર તથા સમાજના હિતમાં કઈ રીતે ઉપયોગ કરવામાં આવશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ચંદન રાઠોડના પરિવારના ભવિષ્ય, બાળકોના શિક્ષણ અને આજીવિકાને સંપૂર્ણપણે સુરક્ષિત કર્યા બાદ જો વધારાનું ફંડ રહેશે, તો તેનો ઉપયોગ સમાજના અન્ય જરૂરિયાતમંદ લોકોના હિતમાં થઈ શકે તે દિશામાં પણ વિચારણા ચાલી રહી છે. સમગ્ર મામલે આખરી નિર્ણય સાંજે જાહેર કરવામાં આવશે.