સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડનું ભાભર પાસે અકસ્માતમાં મોત

ગુજ્જુ લવ ગુરુ ચંદન રાઠોડનું ભાભર પાસે અકસ્માતમાં મોત

બનાસકાંઠાના થરાદ તાલુકાના સુઈગામથી આવતા અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે ગુજરાતભરમાં જાણીતા બનેલા કોમેડી કલાકાર ચંદન રાઠોડનું ભાભર પાસે માર્ગ અકસ્માતમાં મોત થયું છે. ભાભરની હરિધામ ગૌશાળા નજીક તેમને બાઇક પર અકસ્માત નડ્યો હતો.

ચંદન રાઠોડે સામાન્ય પરિવારમાંથી આવીને પોતાની મહેનત અને પ્રતિભાના બળે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઊભી કરી હતી. ઇન્સ્ટાગ્રામ પર તેમને 1.8 મિલિયનથી વધુ ફોલોઅર્સ હતા, જ્યારે યુટ્યુબ પર 10 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ હતા.

તેમની કોમેડીની ખાસિયત વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી હતી. દેશી અને સરળ કોમેડીથી તેઓ લોકોને હસાવતા હતા. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતો લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેથી તેમની લોકપ્રિયતા માત્ર ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા.

સોશિયલ મીડિયા ઉપરાંત ચંદન રાઠોડે ગુજરાતી ફિલ્મો અને કોમેડી શોમાં પણ પોતાની આગવી ઓળખ બનાવી હતી. કોમેડી ક્ષેત્રે તેમણે વાવ-થરાદના ગ્રામ્ય પંથકમાંથી કારકિર્દીની શરૂઆત કરી રાજ્યભરમાં નામના મેળવી હતી.

અકસ્માતના સમાચાર સામે આવતાં તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને કોમેડીના ક્ષેત્રે આગવી ઓળખ બનાવનાર ચંદન રાઠોડનું અચાનક નિધન પરિવાર, ચાહકો અને સમગ્ર પંથક માટે આઘાતજનક છે.