સત્ય. સાહસ. સંકલ્પ.

બનાસકાંઠાના કોમેડિયન ચંદન રાઠોડ 'ગુજ્જુ લવ ગુરુ'નું અકસ્માતમાં મોત

બનાસકાંઠાના કોમેડિયન ચંદન રાઠોડ 'ગુજ્જુ લવ ગુરુ'નું અકસ્માતમાં મોત

બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના સુઈગામ ગામના યુવાન કોમેડિયન ચંદન રાઠોડ, જે 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા હતા, તેમનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક હરિધામ ગૌશાળા પાસે બાઇક અકસ્માતમાં કરુણ મોત થયું છે. તેઓ વિડિયો શૂટિંગ પૂરું કરીને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો.

અકસ્માત પહેલાં ચંદન રાઠોડ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવતા હોવાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. પેટ્રોલ પંપથી અકસ્માત સ્થળ આશરે ત્રણથી ચાર કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે. જોકે અકસ્માત કેવી રીતે સર્જાયો તેની સત્તાવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

અકસ્માતની જાણ થતાં તેમના ચાહકો અને પરિચિતો હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. કોમેડિયનના આકસ્મિક મોતથી સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે. ઢળતી સાંજે ચંદનની અંતિમયાત્રા નીકળી હતી અને ગામના સ્મશાનમાં રાત્રે અંતિમસંસ્કાર કરાયા હતા.

ચંદન રાઠોડના નજીકના લોકોએ જણાવ્યું કે સુઈગામ જેવા પાકિસ્તાન બોર્ડર નજીક આવેલા ગામમાંથી તેમણે પોતાની આગવી પ્રતિભાથી સમગ્ર ગુજરાતમાં ગામનું નામ પહોંચાડ્યું હતું. તેમના નિધનથી માત્ર પરિવાર જ નહીં, પરંતુ આખું સુઈગામ તાલુકો અને ગુજરાત દુઃખી થયું છે. સુઈગામના એક સ્થાનિક વ્યક્તિએ કહ્યું, "ચંદનભાઈની વસમી વિદાય આખા વિસ્તાર, સુઈગામ તાલુકા અને ગુજરાત રાજ્ય માટે ખૂબ દુઃખદ ઘટના છે. તેમના નામના કારણે સુઈગામની અલગ ઓળખ સમગ્ર ગુજરાતમાં બની હતી."

ચંદન રાઠોડનો જીવનસંઘર્ષ પણ જાણવા મળ્યો છે. પરિવારજનો અને મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમે ધીમે કોમેડી વિડિયો બનાવવાનું શરૂ કર્યું અને 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમના એક મિત્રએ કહ્યું, "કઈક કરવું છે એવા મોટિવ સાથે તેઓ અહીં આવ્યા હતા. હળવે હળવે સોશિયલ મીડિયામાં કોમેડી કિંગ તરીકે એક્ટિવ થયા અને ગુજ્જુ લવ ગુરુ તરીકે નામ રોશન કર્યું. લાખો લોકોને હસાવનાર આજે અમારી વચ્ચે નથી."

આકસ્મિક મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે મિત્રોને શરૂઆતમાં વિશ્વાસ જ નહોતો થયો. મિત્રના જણાવ્યા મુજબ, "આ છેલ્લો વીડિયો બન્યો હતો. એ વીડિયો જોયા બાદ કોલ અને મેસેજ આવ્યા ત્યારે અમને વિશ્વાસ નહોતો થતો કે આવું અમારી સાથે થયું હશે. અમને લાગતું હતું કે ગુજ્જુ લવ ગુરુને કંઈ થઈ જ ન શકે. બાદમાં અમે દોડીને ગયા અને ખબર પડી કે અમારો મિત્ર હવે અમારી વચ્ચે નથી."

ચંદન રાઠોડના મિત્ર ભરતસિંહ રાજુસિંહે જણાવ્યું કે ચંદનનો પરિવાર વર્ષોથી મુશ્કેલ પરિસ્થિતિમાં જીવન ગુજારતો હતો. તેમના પિતા મજૂરી કરતા અને ત્રીજા ભાગે જમીન વાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આવી પરિસ્થિતિમાંથી ચંદને સોશિયલ મીડિયામાં પોતાની ઓળખ બનાવી હતી.

અકસ્માતમાં મોતના સમાચાર મળતાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર ભાભર હોસ્પિટલ દોડી ગયા હતા અને દુઃખની ઘડીમાં પરિવાર અને સ્વજનો સાથે રહ્યા હતા. ગેનીબેન ઠાકોરે જણાવ્યું કે, "પંથક માટે ખૂબ દુઃખદ ઘટના છે. સુઈગામના વતની ચંદનભાઈ અને 'ગુજ્જુ લવ ગુરુ' નામથી કોમેડિયન તરીકે તેમણે યુવાવર્ગને પ્રેરણા આપી હતી."