બનાસકાંઠાના થરાદ તાલુકાના ભાભર પાસે 17 સપ્ટેમ્બરે કોમેડિયન અને યુટ્યુબર ચંદન રાઠોડ ઉર્ફે ‘ગુજ્જુ લવ ગુરુ’નું અકસ્માતમાં મોત થયું હતું. આ અકસ્માત અંગે લોકોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં એ વાત સામે આવી છે કે તેમનું બાઇક સ્લિપ થયું ન હતું, પરંતુ સામેથી આવતા બીજા બાઇક સાથે સામસામે ટકરાયું હતું.
ભાભર પોલીસ સ્ટેશનના PSI એચ. એલ. જોષીએ જણાવ્યું કે અકસ્માત બાદ સામેવાળો બાઇક ચાલક ઘટનાસ્થળેથી નીકળીને દવાખાને પહોંચ્યો હતો. તેને સાથળના ભાગે ઈજા થઈ હોવાની માહિતી છે. અકસ્માતમાં બાઇક અને વ્યક્તિ બંને અથડામણ બાદ અલગ-અલગ દૂર ફંગોળાઈ શકે છે, તેથી ઘટનાસ્થળે બાઇકથી 20થી 25 ફૂટ દૂર વ્યક્તિ પડેલો હોવાની બાબતને પણ પોલીસ અકસ્માતની શક્યતા સાથે જોઈ રહી છે.
ઘટના બાદ CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં ચંદન રાઠોડ અકસ્માત નડ્યો હતો તે બાઇક પર મોતની ગણતરીની મિનિટો પહેલાં એક પેટ્રોલ પંપ પર છેલ્લીવાર પેટ્રોલ પૂરાવતા નજરે પડ્યા હતા. વિલેજ બોયની ટીમ સાથે વીડિયો શૂટિંગ પૂર્ણ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. પેટ્રોલ પંપથી અકસ્માત સ્થળ આશરે ત્રણથી ચાર કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે.
ચંદન રાઠોડનું જીવન સંઘર્ષમય રહ્યું હતું. મિત્રોના જણાવ્યા મુજબ તેઓ શરૂઆતમાં મોરબી નોકરી કરવા ગયા હતા, પરંતુ ત્યાંથી પરત આવ્યા બાદ કંઈક અલગ કરવાની ઈચ્છા સાથે સોશિયલ મીડિયામાં સક્રિય થયા હતા. ધીમેધીમે કોમેડી વીડિયો બનાવવાનું શરૂ કર્યું અને ‘ગુજ્જુ લવ ગુરુ’ તરીકે તેમની ઓળખ ગુજરાતભરમાં બની હતી. તેમને ઈન્સ્ટાગ્રામ પર 18 લાખ ફોલોઅર્સ અને યુટ્યુબ પર 10 લાખ સબસ્ક્રાઈબર્સ છે.
સુઈગામના સામાન્ય પરિવારમાંથી આવતા ચંદન રાઠોડે પોતાની આગવી પ્રતિભાના જોરે સોશિયલ મીડિયા પર અલગ ઓળખ ઊભી કરી હતી. ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબના માધ્યમથી તેમણે ગુજરાતી કોમેડી વીડિયો બનાવ્યા અને લોકોને હસાવ્યા. ગ્રામ્ય વિસ્તારની વાવ-થરાદ અને બનાસકાંઠા પંથકની લોકબોલી તથા સ્થાનિક ભાષાશૈલી તેમની કોમેડીની ખાસિયત બની હતી. તેમની દેશી અને સરળ કોમેડી લોકોને ખૂબ પસંદ પડતી હતી. હાસ્યની સાથે તેઓ સમાજને સાચી દિશા આપતા અને વર્તમાન હકીકતોને લોકો સુધી પહોંચાડતા સંદેશસભર વીડિયો પણ બનાવતા હતા. જેના કારણે તેમની લોકપ્રિયતા માત્ર વાવ-થરાદ કે ઉત્તર ગુજરાત પૂરતી સીમિત ન રહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં તેમના ચાહકો બન્યા હતા.
સાથી કલાકાર વોહતા વિલેજ બોય ઉર્ફે અમરસિંહે ચંદનના દીકરા અને દીકરીને સાથે રાખીને એક રીલ્સ બનાવી છે. જેમાં બંને બાળકોના ભવિષ્ય માટે યથાશક્તિ આર્થિક મદદ કરવાની અપીલ કરી છે. જેમાં QR કોડ પણ આપવામાં આવ્યો છે.
અમરસિંહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ગુજ્જુ ભાઈ અને અમે વીડિયો શૂટિંગ કરવા ગયા હતા, ત્યાંથી ચંદન રાઠોડે વીડિયો અપલોડ કર્યો હતો અને તેના બાદ વીડિયોનું શૂટિંગ થયું ન હતું. જેના બાદ ગુજ્જુ લવ ગુરુ ત્યાંથી નીકળી ગયા હતા અને વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઉચોસણ ગામના મોટરસાઈકલ સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઈકલ પર કડિયા કામ માટે ઉપયોગમાં લેવાતાં પાટિયા સાથે ગુજ્જુ લવ ગુરુના મોટરસાઈકલ અડી જતાં ગુજ્જુ લવ ગુરુએ મોટરસાઈકલ પરથી કન્ટ્રોલ ગુમાવતા રોડ પર પડતાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના બાદ 108 દ્વારા ભાભર ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યાં હાજર તબીબોએ તેમને મૃતક જાહેર કર્યા હતા.
પ્રવીણ રાઠોડે જણાવ્યું હતું કે ચંદન રાઠોડ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનું ગુજરાન ચલાવતા હતા. સોશિયલ મીડિયા ક્ષેત્રે તેમણે પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી અને સમગ્ર ગુજરાતમાં ‘ગુજ્જુ લવ ગુરુ’ નામથી જાણીતા બન્યા હતા. તેમના પિતા ખેતી કરતા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ચંદનભાઈ અને પરેશભાઈ એમ બે ભાઈ તથા ત્રણ બહેનોનો પરિવાર છે. ચંદન રાઠોડને એક પુત્ર અને 10 વર્ષની પુત્રી છે.