વાવ-થરાદના સુઈગામના વતની અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડ, જે 'ગુજ્જુ લવ ગુરુ' તરીકે જાણીતા હતા, તેમનું 17 સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં નિધન થયું હતું. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તેમના બેસણામાં હજારો ચાહકો, કલાકારો અને સોશિયલ મીડિયા ક્રિએટરોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
બેસણા દરમિયાન, જાણીતા સોશિયલ મીડિયા વ્યક્તિત્વ નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ પરિવારને આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરી. તેમણે ગુજ્જુના પરિવાર માટે પોતાના ખર્ચે નવું ઘર બનાવી આપવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે ગુજ્જુના પિતા 60 વર્ષના છે અને કામ કરી શકતા નથી, જ્યારે માતા પણ 60 વર્ષના છે અને મનોદિવ્યાંગ છે. પરિવારમાં એકમાત્ર કમાઉ દીકરો ગુજ્જુ હવે નથી. ખજૂરભાઈએ કહ્યું કે લોકો માને છે કે મિલિયનમાં ફોલોઅર્સ ધરાવતો કલાકાર કરોડપતિ હશે, પરંતુ ગુજ્જુએ પોતાના જીવનમાં કંઈ ભેગું કર્યું ન હતું. તે જે કમાતો તે પરિવાર અને આસપાસની સેવામાં વાપરી નાખતો હતો.
ખજૂરભાઈએ તમામ કલાકારો, ઇન્ફ્લુએન્સરો અને સામાન્ય લોકોને ઘરના નિર્માણ સમયે શ્રમદાન આપવા આવવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે જેમ આપણે ગરબા કે ટ્રેન્ડિંગ વીડિયો બનાવીએ છીએ, તેમ ગુજ્જુના પરિવારની મદદ માટે પણ સોશિયલ મીડિયામાં વીડિયો બનાવીને અપીલ કરવી જોઈએ. તેમણે ચેતવણી આપી છે કે સોશિયલ મીડિયા પર ચાલતા ફ્રોડ અને ખોટા ક્યુઆર કોડથી સાવચેત રહેવું. તેમણે લોકોને વિનંતી કરી છે કે શક્ય હોય તો સીધા સુઈગામ આવીને પરિવારને રૂબરૂ મદદ પહોંચાડે.
ખજૂરભાઈએ જાહેરાત કરી છે કે જ્યાં સુધી ગુજ્જુ લવગુરુના પરિવાર માટે 2 કરોડ રૂપિયાની ધનરાશિ એકઠી ન થાય ત્યાં સુધી આ સેવાકીય ઝુંબેશ ચાલુ રહેશે. જ્યારે ઘર બની જશે અને તેની પૂજા થશે ત્યારે સમગ્ર ઉત્તર ગુજરાત અને આખા ગુજરાતના લોકોને તે પૂજામાં હાજર રહેવા આમંત્રણ અપાશે.
બેસણામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ચંદન રાઠોડને પુષ્પાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે સરહદી ગામમાં જન્મેલા ચંદને પોતાની અનોખી હાસ્યવૃત્તિ અને વીડિયો દ્વારા લાખો લોકોના દિલમાં સ્થાન મેળવ્યું હતું. તેમણે ચંદનના બાળકોને અભ્યાસ અને લગ્ન પ્રસંગે મદદ કરવાની ખાતરી આપી. સાથે બાઈકચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવા અપીલ કરી.
અગાઉ બનાસકાંઠાના સાંસદ ગેનીબહેન ઠાકોરે પણ ચંદન રાઠોડના પરિવારની મુલાકાત લીધી હતી અને બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.