સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજ્જુ લવ ગુરુના અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા: ખજૂરભાઈએ હેલ્મેટ વહેંચવાની અપીલ કરી

ગુજ્જુ લવ ગુરુના અકસ્માત સ્થળે અંધશ્રદ્ધા: ખજૂરભાઈએ હેલ્મેટ વહેંચવાની અપીલ કરી

થરાદ: વાવ-થરાદ અને સુઈગામ પંથકમાં પોતાની દેશી કોમેડી થકી લોકપ્રિય બનેલા કન્ટેન્ટ ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેમના અકસ્માત સ્થળે લોકો અગરબત્તી, નાળિયેર અને પાણી ચઢાવી પૂજા કરવા લાગ્યા છે. આ અંધશ્રદ્ધાને ખજૂરભાઈ નામના સામાજિક કાર્યકરે પડકારી છે.

ખજૂરભાઈએ જણાવ્યું કે, આ એ જ જગ્યા છે જ્યાં ગુજ્જુ લવગુરુનું અકસ્માત થયું હતું. બનાસકાંઠાના ઘણા ક્રિએટર્સ અને સામાન્ય લોકો અહીં આવીને નાળિયેર, અગરબત્તી, થમ્સઅપની બોટલો કે વેફરના પડીકા મૂકે છે. ખજૂરભાઈ અને તેમના સાથીઓએ આ તમામ વસ્તુઓ જમીન પરથી ઉપાડીને હટાવી હતી. તેમણે કહ્યું કે, આવી પ્રવૃત્તિથી સમાજમાં ખોટો સંદેશ જાય છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે છે.

ખજૂરભાઈએ વધુમાં જણાવ્યું કે, જો તમે ગુજ્જુને પ્રેમ કરતા હોવ, તો તેમના નામના હેલ્મેટ લોકોને વહેંચો જેથી રોડ પર અકસ્માત ન થાય. પણ અંધશ્રદ્ધાનું કામ ન કરો. આ હાઈવે રોડ છે, અહીં અકસ્માતના કિસ્સાઓ વધે છે. રોડની સાઇડમાં ભીડ કરવાથી કે પૂજા-પાઠ કરવાથી અન્ય વાહનચાલકો માટે જોખમ ઊભું થાય છે. તેમણે યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરી કે, ગુજ્જુ લવગુરુના નામે સેવાકીય પ્રવૃત્તિઓ કરો અને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરો.

ઉલ્લેખનીય છે કે, ગુજ્જુ લવ ગુરુના પરિવારને અત્યાર સુધીમાં 3.50 કરોડથી વધુનું દાન મળ્યું છે. ઓનલાઈન 2.96 કરોડ અને રોકડ રૂપે 53 લાખની સહાય લોકોએ કરી છે. જેમાં પત્ની અને બાળકોના નામે 41-41 લાખની એફડી કરાશે. ચંદન રાઠોડના પરિવારની દયનીય સ્થિતિ જોતાં સેવાભાવી અગ્રણીઓએ 2 કરોડની આર્થિક સહાય એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો, પરંતુ દેશ-વિદેશમાં વસતા ચાહકો અને દાતાઓએ મુક્ત મને દાન આપતાં આ આંકડો 3.60 કરોડને વટાવી ગયો છે.

અકસ્માતમાં ગુજ્જુ લવ ગુરુ જેની સાથે અથડાયા તે બાઇકચાલક દશરથ રાઠોડ અને મણા રાઠોડને પણ ઈજાઓ પહોંચી છે. દશરથે કહ્યું કે, અમે બેસવારી બાઇક પર સાત ફૂટનો આડો પાલખ લઈને જતા હતા. મણાભાઈએ સ્પષ્ટ કર્યું કે, કોઈએ હાથે કરીને સામસામે બાઇક ભટકાવ્યું નથી, આ કુદરતી ઘટના છે.