થરાદના સુઈગામના કોમેડિયન અને સોશિયલ મીડિયા ક્રિએટર 'ગુજ્જુ લવ ગુરુ' ઉર્ફે ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તેમના મોતના એક અઠવાડિયા બાદ પણ અકસ્માત કેવી રીતે થયો તે અંગે અસ્પષ્ટતા હતી. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે અકસ્માતમાં સામેલ બાઇકચાલક દશરથ રાઠોડ અને તેમની સાથે બેસેલા મણાભાઈની શોધ કરી તેમની સાથે વાત કરી.
દશરથે જણાવ્યું કે, 'અમે ઉચોસણથી ભાભર જવા નીકળ્યા હતા. બપોરે અંદાજે સવા એક વાગ્યે ઘરેથી જમીને નીકળ્યા હતા. હરિધામ ગૌશાળા પાસે પહોંચ્યા ત્યારે અમે અમારી સાઇડ પર જઈ રહ્યા હતા. બાઇક પાછળ મણાભાઈ બેઠા હતા. અમારી સ્પીડ 30થી 35 કિલોમીટર પ્રતિ કલાક હતી. ત્યારે અચાનક સામેથી એક વ્યક્તિ રોંગ સાઇડમાં આવ્યા અને અમારું બાઇક સામસામે અથડાયું.'
અકસ્માત થતાં જ બંને નીચે પડી ગયા. દશરથને માથામાં અને હાથે ઈજા થઈ, જ્યારે પાછળ બેઠેલા મણાભાઈને પગે અને સાથળે વધુ ઈજા થઈ. દશરથે કહ્યું કે, 'નીચે પડ્યા પછી મેં પાછળ જોયું નહીં કે સામેવાળી વ્યક્તિ ક્યાં પડી છે. માથામાંથી લોહી વહી રહ્યું હતું, છતાં હું ઊભો થયો અને મણાભાઈને પૂછ્યું કે તને વધારે તો નથી વાગ્યું ને? તેમણે કહ્યું કે મારાથી ઊભું થવાય એમ નથી, મને પગે ખૂબ વાગ્યું છે. મારા ભત્રીજાનું ગેરેજ બાજુમાં છે, ત્યાં ગાડી મોકલાવી દે.'
ત્યારબાદ દશરથ બાઇક લઈને ગેરેજ પહોંચ્યો, જ્યાં ભત્રીજા હાજર નહોતા પણ તેમના માણસો કામ કરતા હતા. તેમણે કહ્યું કે 'તમારા માથામાંથી લોહી વહી રહ્યું છે, તમે તાત્કાલિક દવાખાને જાઓ.' ત્યાંથી દશરથ સીધો દવાખાને ગયો અને પાટો બંધાવ્યો.
અકસ્માત સમયે સામેવાળી વ્યક્તિને ઓળખતા નહોતા. સારવાર દરમિયાન લોકો ભેગા થયા અને 108નો સંપર્ક કરવામાં આવ્યો. પછી સોશિયલ મીડિયા દ્વારા ખબર પડી કે સામેવાળી વ્યક્તિ ગુજ્જુ લવ ગુરુ છે. દશરથે કહ્યું કે અમે અમારી સાઇડ પર યોગ્ય ઝડપે જઈ રહ્યા હતા, ત્યારે સામેવાળા પોતાની સાઇડ છોડીને રોંગ સાઇડમાં આવ્યા અને અથડાયા.
મણાભાઈએ જણાવ્યું કે, 'અમે ઘેરથી સામાન લેવા ભાભર જઈ રહ્યા હતા. દશરથભાઈનું બાઇક હતું. ગૌશાળા આગળ અકસ્માત થયો. બંને બાઇક સામસામે અથડાયા, જેના કારણે હું નીચે પડી ગયો. ખાડા સાથે અને પાલખ બાંધેલા હતા. પાલખ સાથે ટક્કર થઈ. એ પછી શું થયું તેની મને ખબર નથી. સારવાર માટે અમારા ગામના દરબાર આવ્યા હતા. મને સાથળ, કેડ અને શરીર પર ઈજાઓ થઈ છે.'
દવાખાને લઈ જનાર કમાલખાન મલિકે કહ્યું કે, 'અમે ભાભર જઈ રહ્યા હતા. રસ્તામાં પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવ્યું, ત્યારે તેઓ આગળ નીકળી ગયા હતા. અમે પહોંચ્યા ત્યારે ગુજ્જુભાઈ માટે 108 એમ્બ્યુલન્સ આવી ગઈ હતી અને મણાભાઈ સાઇડમાં પડ્યા હતા. મેં એક ઠાકોર ભાઈને ઊભા રાખીને તેમની મદદથી મણાભાઈને બાઇક પર બેસાડ્યા. અમે તેમને દવાખાને લઈ ગયા, જ્યાં હોસ્પિટલનો સ્ટાફ ગુજ્જુભાઈની સારવારમાં વ્યસ્ત હતો. પછી અમે ધીરુભાઈ પાસે ગયા, પણ બપોરના બે વાગ્યા હોવાથી તેઓ હાજર ન હતા. એટલે અમે મણાભાઈને રાજારામ હોસ્પિટલ લઈ ગયા. રસ્તામાં નાનજીભાઈ મળી ગયા. અમે મણાભાઈને રાજારામના દરવાજા પાસે મૂક્યા અને મારે કામ હોવાથી હું ત્યાંથી નીકળી ગયો.'
આ અકસ્માત અંગે ગુજ્જુ લવ ગુરુના બાઇકને ટક્કર મારનાર સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચંદન રાઠોડનું જીવન સંઘર્ષમય હતું, તેણે નોકરી છોડીને કોમેડીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હતો.