દિવાળીનો ઉજાસનો પર્વ શરૂ થઈ ગયો છે. આ પર્વ સમગ્ર સંસાર માટે મીઠાશ લાવનારો હોય છે. પરંતુ આજે વાત કરવી છે એક એવા પરિવારની, જેના જીવનમાં 17 સપ્ટેમ્બરે અંધકાર છવાઈ ગયો હતો.
બનાસકાંઠાના સૂઈગામના યુવાન ચંદન રાઠોડની ઓળખ સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરૂ' તરીકે થતી હતી. કોમેડી વીડિયો બનાવીને સોશિયલ મીડિયા દ્વારા સામાજિક સંદેશ ફેલાવનાર અને લોકોને હસતા રાખવાનો પ્રયાસ કરનાર ચંદનનું 17 સપ્ટેમ્બરે માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેઓ પરિવારનો આધાર હતા.
યુવાન દીકરાના મોતથી રાઠોડ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ચંદનના બે સંતાન, પત્ની, પિતા અને નાના ભાઈના જીવનમાં અંધકાર ફેલાઈ ગયો હતો. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયાના ક્રિએટરોએ અપીલ કરી, જેના પગલે રાઠોડ પરિવારના ખાતામાં 3 કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ અને પરિવારને આશાનું કિરણ દેખાયું.
આ બધાની વચ્ચે ગુજ્જુ લવગુરૂ માટે ઘર બનાવી આપવાની જાહેરાત ક્રિએટર નીતિન જાની એટલે કે ખજૂરભાઈએ કરી. એક ક્રિએટરના અવસાન બાદ તેના પરિવાર માટે ઘર બનાવવા શ્રમદાન કરવાની ખજૂરભાઈ અને તેમના ભાઈ તરુણની અપીલ પર ક્રિએટરો ઉમટી પડ્યા. રાતદિવસ મહેનત કરીને ગણતરીના દિવસોમાં જ 3 બેડરૂમ હોલ ધરાવતા ઘરનો સ્લેબ ભરાઈ ગયો.
આ વિસ્તાર સહિતના તમામ ક્રિએટરોની ક્રિએટિવિટીનો વ્યાપ વધે તે માટે ખજૂરભાઈએ અનોખી પહેલ કરી. તેમણે અહીં આવનારા ક્રિએટરોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને લાઈક, શેર અને ફોલો કરવાની અપીલ કરી. તેમની આ અપીલ પર ક્રિએટરોએ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ દર્શાવતાં દ્રશ્યો કુંભ મેળા જેવા લાગતા હતા.
સામૂહિક શ્રમકાર્યથી ગુજ્જુભાઈના ગામ સૂઈગામમાં માનવતાની મહેર અને ખજૂરભાઈની મીઠાશના સાક્ષી ગુરુવારે હું બન્યો અને ત્યાંનો હૃદયસ્પર્શી અહેવાલ 'ગામમાં ખજૂરની મીઠાશ' ના નામથી આ કાર્યક્રમમાં પ્રસારિત કરી રહ્યો છું.