અમેરિકા જવા માટે ગેરકાયદેસર રસ્તો લેનારા મહેસાણાના એક યુવક અને બે યુવતીઓનું ઇથોપિયાની રાજધાની એડિસ અબાબામાં અપહરણ થયું છે. અપહરણકારોએ પરિવારો પાસે 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી છે. ત્રણેય 20 સપ્ટેમ્બરે ગુજરાતથી નીકળ્યા હતા અને ત્યારથી તેમની સાથે સંપર્ક તૂટી ગયો છે.
અપહરણમાં ફસાયેલા યુવકનું નામ ઋત્વિક શૈલેષભાઈ જનસરી (23) છે, જે મહેસાણાનો રહેવાસી છે. બીજી અપહૃત યુવતી મમતા ચિરાગભાઈ ચાવડા (30) છે. તે મૂળ મહેસાણાની છે, પરંતુ હાલ અમદાવાદમાં રહે છે. મહેસાણાના અલ્પેશ પટેલ નામના એજન્ટે આ લોકોને વિદેશ મોકલવાની ગોઠવણ કરી હતી. અલ્પેશ પટેલે વડોદરાના બીજા એક એજન્ટને આ કામ સોંપ્યું હતું, પરંતુ હાલ અલ્પેશ ક્યાં છે તેની કોઈ માહિતી નથી.
ઉપલબ્ધ માહિતી પ્રમાણે, 20 સપ્ટેમ્બરે આ ત્રણેય ગુજરાતથી નીકળીને પહેલા જયપુર પહોંચ્યા હતા. ત્યાંથી એતિહાદની ફ્લાઇટમાં અબુ ધાબી ગયા અને તે જ દિવસે અબુ ધાબીથી એડિસ અબાબા પહોંચ્યા હતા. એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા જીએસએફ ગેસ્ટ હાઉસમાં તેમનું 20થી 29 સપ્ટેમ્બર સુધીનું બુકિંગ હતું. તેમણે ઇથોપિયાના ઇ-વિઝા લીધા હતા, જે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધી માન્ય હતા. એડિસ અબાબામાં જ એજન્ટોએ તેમનું અપહરણ કર્યું હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલો ત્યારે બહાર આવ્યો જ્યારે તેમની સાથે ગયેલો ત્રીજો યુવક રૂપિયા ચૂકવીને પાછો ગુજરાત આવી ગયો. એ યુવક તેમના જ ગામનો હતો. અપહરણકારોએ તેના પરિવાર સાથે ફોન પર વાત કરીને રૂપિયા માંગ્યા હતા. પરિવારે 70 લાખ રૂપિયા ચૂકવતાં અપહરણકારોએ તેને છોડી મૂક્યો હતો.
ઋત્વિક, મમતા અને અન્ય એક યુવતીના પરિવારોમાંથી પણ એક પરિવારે અપહરણકારોને ખંડણી ચૂકવી હતી. જોકે, રૂપિયા ચૂકવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી અપહૃતોનો કોઈ પત્તો ન લાગતાં પરિવારે છેવટે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ કિસ્સામાં એક ચિંતાની બાબત એ પણ સામે આવી છે કે આ અપહૃત લોકો પહેલાં પણ દસેક જેટલા લોકો આ જ રીતે યમન ગયા હતા, પરંતુ આજ સુધી તેમનો પણ કોઈ પત્તો લાગ્યો નથી.
વિદેશની ધરતી પર ગુજરાતીઓના અપહરણની ઘટનાઓ આ પહેલાં પણ બની ચૂકી છે. હનિમૂન માટે ગયેલું એક ગુજરાતી દંપતી જાકાર્તામાં ફસાયું હતું અને પરિવાર પાસે 18 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. તેવી જ રીતે ઇરાનની ધરતી પર પાકિસ્તાની એજન્ટોએ ગુજરાતીઓ સાથે કાવતરું રચ્યાની ઘટના પણ સામે આવી હતી, જેમાં બંધક બનાવાયેલા લોકોને મોટી રકમ લઈને છોડવામાં આવ્યા હતા.