મુંબઈના મીરા રોડમાં નવરાત્રિ ઉત્સવ દરમિયાન ગરબા રમતી વખતે 30 વર્ષીય મીત રૂપાડાનું કાર્ડિયાક અરેસ્ટથી અચાનક અવસાન થયું છે. મૂળ સૌરાષ્ટ્રના બગસરાના વતની અને ભાયંદર વેસ્ટમાં શિવસેના ગલીની પૂનમ એપાર્ટમેન્ટમાં રહેતા મીત ગયા શનિવારે મીરા રોડમાં એક નવરાત્રિ ઉત્સવમાં દાંડિયા રમવા ગયા હતા. ત્યારે તેમને છાતીમાં અસહ્ય દુખાવો થયો અને થોડીવારમાં જ તેઓ ઢળી પડ્યા હતા.
મીતને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનો જીવ બચાવી શકાયો ન હતો. મીતના પિતા રજનીકાંતભાઈએ જણાવ્યું કે મીત શિવનો મોટો ભક્ત હતો અને સમાજસેવાના અનેક કાર્યો કરતો હતો. તેમને ક્યારેક મોસમી શરદી થતી હતી, પણ બીજી કોઈ ગંભીર બીમારી નહોતી. તે દિવસે સાંજે નૈવેદ્ય કરીને પિતા મંદિરે ગયા હતા અને મીત ગરબા રમવા ગયો હતો. રાત્રે અચાનક સંબંધીઓ અને પાડોશીઓના ફોન આવવા લાગ્યા કે મીત ક્યાં છે. પછી એક સંબંધીએ હોસ્પિટલ બોલાવીને મીત વિશે જાણ કરી. રમતા-રમતા તેને ચક્કર આવ્યા અને તે નીચે પડી ગયો હતો.
પરિવાર શોકમાં ગરકાવ છે. પિતાએ કહ્યું કે મીતને પરિવાર તરફ ખૂબ લાગણી હતી અને તેથી તે લગ્ન કરવા પણ ઇચ્છતો ન હતો. અચાનક જ દીકરો ગુમાવવાનો આઘાત પરિવાર માટે અસહ્ય છે. ભાયંદર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જીતેન્દ્ર કાંબળેએ જણાવ્યું કે મીતનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું છે.