સત્ય. સાહસ. સંકલ્પ.

દુબઈ-ઇઝરાયલ ફ્લાઇટમાં છરી હુમલો: ગુજરાતી પાઇલટ સ્મિત મછારે 180 મુસાફરોને બચાવ્યા

દુબઈ-ઇઝરાયલ ફ્લાઇટમાં છરી હુમલો: ગુજરાતી પાઇલટ સ્મિત મછારે 180 મુસાફરોને બચાવ્યા

દુબઈથી ઇઝરાયલ જઈ રહેલી ફ્લાઇટમાં ગુજરાતના પાઇલટ સ્મિત મછારે 180 મુસાફરોના જીવ બચાવ્યા છે. કો-પાઇલટે છરી વડે હુમલો કરીને પ્લેન હાઇજેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત હોવા છતાં તેમણે પ્લેનનું નિયંત્રણ જાળવી રાખ્યું અને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.

આ ઘટના બુધવારે બની હતી. ફ્લાઇદુબઈનું બોઇંગ 737 મેક્સ 8 વિમાન દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ માટે ઉડ્યું હતું. આકાશમાં 34,000 ફૂટની ઊંચાઈ પર 180 મુસાફરોને લઈ જઈ રહેલા વિમાનમાં મોટાભાગના ઇઝરાયલી મુસાફરો હતા. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પરંતુ વિમાન સાઉદી અરેબિયાના આકાશમાં પ્રવેશ્યું ત્યારે કો-પાઇલટે કેપ્ટન સ્મિત મછાર પર છરી વડે હુમલો કર્યો હતો.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા મુજબ, કો-પાઇલટે કેપ્ટનને છરી માર્યા બાદ પ્લેનને ક્રેશ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. કેપ્ટન સ્મિત છરીના ઘા વાગવાથી ઇજાગ્રસ્ત થયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું, છતાં તેમણે વિમાનનું નિયંત્રણ કો-પાઇલટને ન આપ્યું. જો તેમણે નિયંત્રણ આપ્યું હોત તો 9/11 જેવી ઘટના બની શકી હોત. તેમની આ બહાદુરીને કારણે તેઓ હીરો બની ગયા છે.

જ્યારે વિમાન અનિયંત્રિત થઈને નીચે તરફ ઉતરવા લાગ્યું, ત્યારે મુસાફરો અને ક્રૂના સભ્યએ બળજબરીપૂર્વક કોકપિટમાં પ્રવેશ કર્યો હતો. બહાર બેઠેલા મુસાફરોએ બંને પાઇલટો વચ્ચેની લડાઈ જોઈ લીધી અને કોકપિટ તોડીને અંદર પહોંચ્યા હતા. તેમણે જોયું કે કો-પાઇલટ વિમાનના સિસ્ટમ સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. મુસાફરો અને ક્રૂએ કો-પાઇલટને કાબૂમાં લીધો અને પ્લેનને નિયંત્રણમાં લાવવામાં મદદ કરી. ત્યારબાદ પ્લેન સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું હતું.

ઇઝરાયલના વડાપ્રધાને આ ઘટનાને અત્યંત ગંભીર સુરક્ષા ઘટના ગણાવી છે અને કહ્યું છે કે સાઉદી અધિકારીઓ કો-પાઇલટની પૂછપરછ કરશે. પ્લેન લેન્ડ થયા બાદ કો-પાઇલટની ધરપકડ કરી લેવામાં આવી છે. એક ઇઝરાયલી અધિકારીએ હુમલાખોરની ઓળખ ઓમાનના નાગરિક તરીકે કરી છે.

કેપ્ટન સ્મિત મછાર મૂળ ગુજરાતના રહેવાસી છે. તેમણે જૂન 2022માં ફ્લાઇદુબઈમાં ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન તરીકે કામ શરૂ કર્યું હતું. તેમણે જૂન 2011થી 2022 સુધી લગભગ 11 વર્ષ સ્પાઇસજેટ સાથે કામ કર્યું છે. સ્મિત બોઇંગ 737 ફ્લીટના એક્સપર્ટ છે અને સુરક્ષા તથા નિયમોના પાલન પર ખાસ ધ્યાન આપે છે. તેમણે અન્ય પાઇલટોનું માર્ગદર્શન પણ કર્યું છે. તેમણે વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી પણ મેળવી છે.

છરીબાજીની ઘટનામાં ઇજાગ્રસ્ત થયા બાદ સ્મિત મછારને તબુકની જ એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. નેતન્યાહૂએ તેમના ઓફિસથી જાહેર કરેલા વીડિયો નિવેદનમાં કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે.