ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં હાલમાં બે મોટી ફિલ્મોની જાહેરાત થઈ છે. એક તરફ સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને અભિનેત્રી કિંજલ રાજપ્રિયા અભિનીત ફિલ્મ ‘માં હાજરા હજુર’ની જાહેરાત થઈ છે, તો બીજી તરફ જાનકી બોડીવાળા અભિનીત ફિલ્મ ‘અંબાજી એક્સપ્રેસ’નું શૂટિંગ પૂર્ણ થયું છે. બંને ફિલ્મો 2027માં રિલીઝ થવાની ધારણા છે.
‘માં હાજરા હજુર’ ફિલ્મમાં મલ્હાર ઠાકર, કિંજલ રાજપ્રિયા અને રાહુલ રાવલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું લેખન સંજય મરવાણિયાએ કર્યું છે અને નિર્દેશન એથન તથા સંજય મરવાણિયા કરી રહ્યા છે. નિર્માતા અમરદીપસિંહ રાણા છે. ફિલ્મની જાહેરાત સાથે “માણસાઈ ભૂલી માનવી, બન્યો જ્યારે અસુર, માનવતા બચાવવા, પધાર્યાં માં હાજરા હજુર” જેવી પંક્તિ રજૂ કરવામાં આવી છે, જે દર્શાવે છે કે ફિલ્મ સામાજિક અને ધાર્મિક સંદેશ આપશે. ફિલ્મનું શૂટિંગ 2027માં શરૂ થશે.
બીજી તરફ, ‘અંબાજી એક્સપ્રેસ’ ફિલ્મમાં જાનકી બોડીવાળા, મયુર ચૌહાણ, તનુષ્કા, મિહિર અને પાર્થ જેવા કલાકારો છે. આ ફિલ્મનું મુખ્ય શૂટિંગ દિવાળી પહેલાં પૂર્ણ થયું છે. ફિલ્મના નિર્માતાઓએ જણાવ્યું કે લેખનથી લઈને શૂટિંગ સુધીની સફર પડકારજનક હતી, પરંતુ ટીમના સભ્યોએ પરિવારની જેમ સાથે કામ કર્યું. તહેવારોના સમયે શૂટિંગ પૂર્ણ થતાં સેટનું વાતાવરણ ભાવુક બન્યું હતું. ફિલ્મની રિલીઝ તારીખ હજુ જાહેર થઈ નથી.