સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી સિનેમામાં નવા પ્રયોગોઃ 'ધ ઇસ્કોન બ્રિજ'નું AI ટીઝર અને 'ચોર નંબર 1'નું ટ્રેલર રિલીઝ

ગુજરાતી સિનેમામાં નવા પ્રયોગોઃ 'ધ ઇસ્કોન બ્રિજ'નું AI ટીઝર અને 'ચોર નંબર 1'નું ટ્રેલર રિલીઝ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તાજેતરમાં બે અલગ અલગ પ્રકારની ફિલ્મોના પ્રોમોશનલ વિડિયો રિલીઝ થયા છે. જેમાં 'ધ ઇસ્કોન બ્રિજ'નું ટીઝર અને 'ચોર નંબર 1'નું ટ્રેલરનો સમાવેશ થાય છે.

'ધ ઇસ્કોન બ્રિજ' એ પેરાનોર્મલ થ્રિલર છે, જે ભારતની પ્રથમ AI જનરેટેડ ગુજરાતી ફિલ્મ હોવાનો દાવો કરે છે. ફિલ્મના તમામ પાત્રો AI ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યા છે. આ ફિલ્મ ભારતભરમાં બનેલી વાસ્તવિક ઘટનાઓ પર આધારિત છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે, સંવાદો, સંગીત, એડિટિંગ અને દિગ્દર્શનમાં માનવ સર્જનાત્મકતાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં કુલ 82 AI પાત્રો બનાવવામાં આવ્યા છે. ફિલ્મના નિર્માણમાં ગો સ્ક્રિપ્ટથી વિકસિત અદ્યતન AI પ્રોડક્શન પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મેકર્સના જણાવ્યા અનુસાર, ફિલ્મની વાર્તાને વધુ વાસ્તવિક બનાવવા માટે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી પાસેથી માહિતી લેવામાં આવી છે. આ ફિલ્મ 13 નવેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે અને ત્યારબાદ OTT પ્લેટફોર્મ પર આવશે. એ વાત પણ ચર્ચામાં છે કે 13 નવેમ્બરે સલમાન ખાનની ફિલ્મ 'માતૃભૂમિ' પણ રિલીઝ થવાની છે.

ફિલ્મનું ટીઝર નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી 2026માં નવી દિલ્હીમાં યોજાયેલી AI ઇમ્પેક્ટ સમિટ માટે સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યું હતું. આ સમિટનું આયોજન માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું હતું. ફિલ્મના લેખક અને દિગ્દર્શક ચેતન ચૌહાણ, સર્જનાત્મક દિગ્દર્શક કુણાલ શાહ, સંગીત વિવેક છેત્રી, ગીતકાર ચિરાગ ત્રિપાઠી, એડિટર અંકિત ગઢવી, સ્ક્રીનપ્લે અને સંવાદ વૃંદા બુચ તથા સાઉન્ડ ડિઝાઇન અવિનાશ સોનવણે કર્યા છે.

બીજી ફિલ્મ 'ચોર નંબર 1' એ કોમેડી ફિલ્મ છે, જેમાં ચોરના ઘરે ચોરી થાય છે અને ત્યારબાદ ધમાલ મસ્તી જોવા મળે છે. આ ફિલ્મમાં શ્રેય મારડિયા, રિશી જાની, પાર્થ મોદી, આંચલ શાહ, અર્ચન ત્રિવેદી, કેતન ઠક્કર, મનીન ત્રિવેદી, રવિ સોલંકી, હેતલ બારોટ અને કવન પટેલ જેવા કલાકારો જોવા મળશે. ફિલ્મના દિગ્દર્શક રાકેશ શાહ છે. જ્યારે નિર્માતા પ્રશાંત મોદી, અમિત વેડાવાલા, પિંકી વેડાવાલા, નિલેશ મોદી અને એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર અંકિતા જિયાની છે. ફિલ્મનું સંગીત મૌલિક મહેતાનું છે અને ફિલ્મના ગીતો ઉમેશ બારોટ, મીર મહેતા અને મૌલિક મહેતાએ ગાયા છે. ગીતકાર કિરન પરિહાર છે.

આ ફિલ્મ 23 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થવાની છે.