અમદાવાદ: ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તાજેતરમાં બે નવી ફિલ્મોના ટીઝર લોન્ચ કરવામાં આવ્યા છે. જેમાં હિતેન કુમારની 'રફ એન્ડ ટફ કન્યા' અને તુષાર સાધુની 'શ્રીમાન સેન્ડવિચ'નો સમાવેશ થાય છે.
હિતેન કુમારની ફિલ્મ 'રફ એન્ડ ટફ કન્યા'ની વાત કરીએ તો, આ ફિલ્મમાં દીકરી તેના બોયફ્રેન્ડને પરિવાર સાથે મળાવે છે. પરિવારને દીકરીએ પસંદ કરેલો મુરતિયો ગમે છે કે પછી તેઓ ગમે તેમ કરીને લગ્ન ન થાય તેવા પ્રયાસો કરે છે, તે તો ફિલ્મ રિલીઝ થાય ત્યારે જ ખબર પડશે. ટીઝર રિલીઝ સાથે એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેમાં લખ્યું હતું: 'દીકરી વ્હાલનો દરિયો, જ્યારે લાવે ભેદી મુરતિયો... પ્રિન્સેસ પ્રિન્સેસ, યસ પાપા, ગોટ યોર પ્રિન્સ? યસ પાપા. શો મી યોર પ્રિન્સ... હુ લા લા લા લા...'
આ ફિલ્મને યશ વૈષ્ણવે ડિરેક્ટ કરી છે, જ્યારે અનન્યા બિરલા, અક્ષિતા શાહ, પ્રીતિ સાહની અને કૃષ્ણદેવ યાજ્ઞિકે પ્રોડ્યુસ કરી છે. 20 નવેમ્બરે રિલીઝ થતી આ ફિલ્મમાં હિતેન કુમાર, યુક્તિ રાંદેરિયા, સોનાલી લેલે દેસાઇ, નીલમ પંચાલ, રાગી જાની અને ફિરોઝ ઇરાની જેવા કલાકારો જોવા મળશે.
બીજી તરફ, તુષાર સાધુની ફિલ્મ 'શ્રીમાન સેન્ડવિચ'ની વાત કરીએ તો, આ ફિલ્મમાં હીરોના લગ્ન થઈ જાય છે અને તેના પર પત્ની તથા ઘરની જવાબદારી આવી જાય છે, પરંતુ તે મિત્રોનો સાથ છોડી શકતો નથી. મિત્રો અને પત્ની વચ્ચે સેન્ડવિચ બનેલા હીરોની પરિસ્થિતિમાં હાસ્ય અને ધમાલ સર્જાય છે. આ ફિલ્મ આવતા વર્ષે 14 જાન્યુઆરીએ રિલીઝ થશે.
ફિલ્મમાં તુષાર સાધુ ઉપરાંત ખુશ્બુ ત્રિવેદી, જય પંડ્યા, કલ્પ ત્રિવેદી, તિલક પટેલ, વૈશાકી રાઠોડ, કુશાલ શાહ, પ્રશાંત બારોટ, હેતલ બારોટ અને દીપેન રાવલ જેવા કલાકારો છે. ફિલ્મને વિપુલ શર્માએ ડિરેક્ટ કરી છે અને લવ શ્રેયા ફિલ્મ્સ સાથે હેમેન્દ્ર પટેલ, અતુલ પટેલ, અપૂર્વ મહેતા અને પંકજ ચૌધરીએ પ્રોડ્યુસ કરી છે.