સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતી ફિલ્મ 'ફીરકી'નું ગીત 'ચકુ માનતી નથી' વીડિયોમાં રિલીઝ, વત્સલ શેઠ અને વ્રજેશ હીરજીની રમૂજ

ગુજરાતી ફિલ્મ 'ફીરકી'નું ગીત 'ચકુ માનતી નથી' વીડિયોમાં રિલીઝ, વત્સલ શેઠ અને વ્રજેશ હીરજીની રમૂજ

ગુજરાતી ફિલ્મ 'ફીરકી'નું ગીત 'ચકુ માનતી નથી...' તાજેતરમાં વીડિયો સ્વરૂપમાં રિલીઝ થયું છે. આ ફિલ્મ 18 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝના 10 દિવસ બાદ 28 સપ્ટેમ્બરે 'ચકુ માનતી નથી..' ગીતનો ઓડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો.

'ચકુ માનતી નથી...' યુવાનોમાં ફેવરિટ બન્યું છે. પહેલા ઓડિયો અને હવે વીડિયોમાં રિલીઝ થયેલા આ ગીતમાં વ્રજેશ હીરજી અને વત્સલ શેઠ પ્રેમિકાને મનાવવાના પ્રયાસો કરે છે, પરંતુ ગર્લફ્રેન્ડ માનતી નથી. આ ગીતમાં ઈશા કંસારા છે. ગીતમાં બંને કલાકારો રમૂજી વાતોથી ગુસ્સે થયેલી ઈશાને મનાવતા જોવા મળે છે.

આ ગીત ભૂમિ ત્રિવેદી અને નક્ષ અઝીઝે ગાયું છે, જ્યારે સંગીત કશ્યપ સોમપુરા અને ગીતકાર મેધા અંતાણી છે. જ્યારે ગીતની કોરિયોગ્રાફી સીમા દેસાઈએ કરી છે. ફિલ્મને ધર્મેશ મહેતાએ ડિરેક્ટ કરી છે અને પ્રોડ્યુસર રશિમન મેજેઠિયા તથા પારિતોષ પેઇન્ટર છે. ફિલ્મ કોકોનટ મોશન પિક્ચર્સ હેઠળ બનાવવામાં આવી છે. ધર્મેશ મહેતાએ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના શરૂઆતના એપિસોડ્સ ડિરેક્ટ કર્યા હતા.

ફિલ્મની વાત કરીએ તો આ કોમેડી ફિલ્મ લંડન અને ગુજરાત પર આધારિત છે. ફિલ્મમાં લંડનમાં રહેતો હીરો વત્સલ શેઠ એક નાની એવી મુશ્કેલીમાંથી બહાર નીકળવા ખોટું બોલી જાય છે. હવે આ નાનકડું જૂઠાણું તેની સામે એ રીતે આવે છે કે તે તેમાંથી બહાર નીકળી શકતો નથી. વત્સલ શેઠે બોલેલું એક જૂઠ કેવી રીતે પતંગની જેમ તેની ફીરકી લે છે તે જોવું રસપ્રદ છે. ફિલ્મમાં NRI વેડિંગ, મેરેજ કાઉન્સેલિંગ જેવા સબ્જેક્ટ્સ પર પણ વાત કરવામાં આવી છે. કોમેડી ફિલ્મ સામાજિક મેસેજ પણ આપી જાય છે. ફિલ્મનું ટાઇટલ ટ્રેક 'સૌની લઈ લે ફીરકી...' પણ દર્શકોમાં ખાસ્સું પોપ્યુલર થયું છે.

ફિલ્મમાં ઈશા કંસારા, વ્રજેશ હીરજી, જ્હોની લીવર, હાર્દિક સંગાણી, અનંગ દેસાઈ, મોનાઝ મેવાવાલા, જયેશ ઠક્કર સહિતના કલાકારો જોવા મળે છે.