સત્ય. સાહસ. સંકલ્પ.

બિગ બજેટ હિન્દી ફિલ્મો સામે ગુજરાતી સિનેમાને સ્ક્રીનની અન્યાય? 'ડમરુ'ના શો ઘટ્યા, મેકર્સની ચિંતા

બિગ બજેટ હિન્દી ફિલ્મો સામે ગુજરાતી સિનેમાને સ્ક્રીનની અન્યાય? 'ડમરુ'ના શો ઘટ્યા, મેકર્સની ચિંતા

ગુજરાતી ફિલ્મ 'ડમરુ' તાજેતરમાં થિયેટરમાં રિલીઝ થઈ છે. સંજય ગોરડિયા, નક્ષરાજ, મૌલિક ચૌહાણ અને મકરન્દ શુક્લા સ્ટારર આ કોમેડી-ડ્રામા ફિલ્મ ગુજોત્સવ પ્રોડક્શન્સ અને વ્રજ ફિલ્મ્સના બેનર હેઠળ બની છે. દર્શકો તરફથી ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જોકે, તહેવારોની સીઝનમાં 'રામાયણ' જેવી મોટા બજેટની હિન્દી અને અન્ય ભાષાની ફિલ્મો રિલીઝ થતાં સ્થાનિક મલ્ટિપ્લેક્સ અને થિયેટરોમાં ગુજરાતી ફિલ્મને પૂરતા શો અને સ્ક્રીન મળવામાં તકલીફ પડી રહી છે.

ફિલ્મના નિર્માતાઓ અને ટીમના જણાવ્યા અનુસાર, સ્થાનિક દર્શકોમાં માંગ હોવા છતાં વિતરણ કંપનીઓનું દબાણ અને મોટા બેનરોની શરતોને કારણે થિયેટર માલિકો ઈચ્છા હોવા છતાં ગુજરાતી ફિલ્મને શો આપી શકતા નથી. પરિણામે 'ડમરુ'ને યોગ્ય સ્ક્રીન સ્પેસ મળી રહી નથી. આ માત્ર એક ફિલ્મની વાત નથી, પરંતુ સમગ્ર ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડાયેલા ટેકનિશિયન, કેમેરામેન, લાઇટમેન, સ્પોટબોય અને અન્ય નાના-મોટા કલાકારોની રોજીરોટી પર પણ અસર પડી રહી છે.

ફિલ્મના કલાકારો અને મેકર્સે 'ડમરુ' માટે વધુ સ્ક્રીન ફાળવવા અપીલ કરી છે. ટીમે જણાવ્યું કે તહેવારોમાં મોંઘી ટિકિટ ખરીદી શકે નહીં તેવા સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે પોસાય તેવા દરે મળતી પ્રાદેશિક ફિલ્મો મનોરંજનનો મુખ્ય સ્રોત છે. પરંતુ સ્થાનિક ફિલ્મોને સ્ક્રીન ન મળે તો સામાન્ય દર્શકો પોતાની માતૃભાષાની ફિલ્મ જોવાથી વંચિત રહી જાય છે.

'ડમરુ' ટીમે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ મોટી ફિલ્મની વિરુદ્ધ નથી, પરંતુ ગુજરાતી ફિલ્મોને પોતાના રાજ્યમાં યોગ્ય તક મળવી જોઈએ. તેમણે મુખ્યમંત્રી, ગૃહમંત્રી, રાજ્ય સરકાર, સિનેમા માલિકો અને ડિસ્ટ્રિબ્યુટર્સને અપીલ કરી છે કે 'ડમરુ'ને ઓછામાં ઓછા 1-2 શો ફાળવવામાં આવે, જેથી ગુજરાતી સંસ્કૃતિ અને સિનેમાનું અસ્તિત્વ ટકી રહે.

નોંધનીય છે કે, બે મહિના પહેલા બોલિવૂડ અભિનેતા દીપક તિજોરીએ પણ ગુજરાતી ફિલ્મોને થિયેટરોમાં પૂરતી સ્ક્રીન અને પ્રાઇમ ટાઇમના શો ન મળવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ગુજરાતી સિનેમાના વિકાસ અને સ્થાનિક ફિલ્મોના રક્ષણ માટે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ નીતિગત સહાય અને કડક નિયમો ઘડવાની માંગ કરી હતી.