ગુજરાતી સિનેમામાં હાલ નવા વિષયો પર આધારિત ફિલ્મો બની રહી છે. તેમાં ગીરના જંગલમાં વસતા સાવજ અને નેહડામાં રહેતા લોકો વચ્ચેના ભાવનાત્મક સંબંધને દર્શાવતી ફિલ્મ 'અંબા' પણ એક છે. નીમટ્રી એન્ટરટેઇનમેન્ટ અને વિજયગીરી ફિલ્મઓસ દ્વારા નિર્મિત આ ફિલ્મનું પહેલું ગીત 'અંબા રમવા આવે' નવરાત્રિ પહેલાં રિલીઝ કરવામાં આવ્યું છે.
'લાલો' ફિલ્મની તુલસી એટલે કે રીવા રાચ્છ આ ફિલ્મમાં મુખ્ય પાત્ર 'અંબા' તરીકે જોવા મળશે. ફિલ્મની વાર્તા ગીરમાં વસતા સાવજ અને ત્યાંના લોકોના સહજીવન, ડણક અને ઝાંઝરીની મિત્રતા પર આધારિત છે. ગીતની શરૂઆતમાં રીવા રાચ્છ સાવજને પાઘડી પહેરાવતી દેખાય છે, જે દર્શાવે છે કે આ ફિલ્મ જંગલના રાજા અને ગીરના નેહડામાં રહેતા લોકોની વાર્તા છે.
'અંબા રમવા આવે' ગીતમાં પરંપરાગત નવરાત્રિની ઝલક જોવા મળે છે. નેહડામાં રહેતી યુવતીઓ માતાજીની માંડવીની ફરતે પ્રાચીન ગરબા રમતી દેખાય છે. આ ગીતમાં ગુજરાતી અભિનેત્રીઓ શ્રદ્ધા ડાંગર, મોનલ ગજ્જર અને નેત્રી ત્રિવેદી પણ રીવા સાથે તાલ મેળવીને ગરબા રમતી જોવા મળે છે. ગીતના અંતે પાઘડી પહેરેલા સિંહની ત્રાડ સાંભળવા મળે છે.
આ ગીત ભૂમિ નથવાણી દ્વારા નિર્મિત છે. સંગીતકાર જોડી કેદાર અને ભાર્ગવે તેને તૈયાર કર્યું છે. ગીતના શબ્દો મિલિન્દ ગઢવીએ લખ્યા છે અને વ્રત્તિની પુરોહિતે ગાયું છે. ગીતની કોરિયોગ્રાફી સમીર અને અર્શ તન્નાએ કરી છે.
વિજયગીરી બાવાના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મનું લેખન વિજયગીરી બાવાએ રામ મોરી સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં રીવા રાચ્છ ઉપરાંત દર્શન પંડ્યા, જગજીતસિંહ વાઢેર, એલેસાન્ડ્રા વ્હીલન, ગૌરાંગ આનંદ, ફિરોઝ ઇરાની, સ્વાતિ દવે અને રિદ્ધિ ડાંગર મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ ડિસેમ્બર 2026માં સિનેમાઘરોમાં રિલીઝ થશે.