સત્ય. સાહસ. સંકલ્પ.

અમેરિકા જવા નીકળેલા મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવાનોનું ઈથોપિયામાં અપહરણ, પરિવારો ચિંતિત

અમેરિકા જવા નીકળેલા મહેસાણા-ગાંધીનગરના ત્રણ યુવાનોનું ઈથોપિયામાં અપહરણ, પરિવારો ચિંતિત

મહેસાણા અને ગાંધીનગરથી ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા ત્રણ યુવાનોનું ઈથોપિયામાં અપહરણ થયું છે. ચાર દિવસથી તેઓ અપહરણકારોના કબજામાં હોવાનું મનાય છે. ત્રણેયને વિદેશ મોકલનાર સ્થાનિક એજન્ટ પણ સામે આવ્યો છે.

અપહરણ થયેલા ત્રણેય લોકો એક જ પરિવારના છે. મહેસાણાના વડસ્મા ગામના ઋત્વિક જનસારી (23), ગોઝારિયાની મમતા ચાવડા (30) અને ગાંધીનગરની મયુરી કૌટુંબિક સગાં છે. ત્રણેય કડીના ડાંગરવા ગામના એજન્ટ અલ્પેશ પંચાલની મદદથી 20 સપ્ટેમ્બરે અમેરિકા જવા નીકળ્યા હતા.

એજન્ટે ત્રણેયને જયપુરથી અબુધાબી મોકલ્યા. ત્યાંથી તેઓ ઈથોપિયાની રાજધાની એડિસ અબાબાની સ્વાઝીલેન્ડ સ્ટ્રીટમાં આવેલા જીએસએફ કેમ્પમાં રોકાયા. ત્યાં તેમણે 19 સપ્ટેમ્બરથી 19 ઓક્ટોબર સુધીના ઈ-વિઝા લીધા હતા.

આ દરમિયાન સ્થાનિક એજન્ટે પરિવારોને ટુકડે ટુકડે 70 લાખ રૂપિયા લઈને કહ્યું કે ત્રણેય કેનેડા પહોંચી ગયા છે. ત્યારબાદ 'હવે કેનેડાથી અમેરિકા જવા નીકળે છે' તેમ જણાવ્યા પછી ત્રણેયનો પરિવાર સાથેનો સંપર્ક તૂટી ગયો.

ત્રણ દિવસ પહેલાં 'ખાન' નામના એક શખસે પરિવારને ફોન કરીને ત્રણેયને છોડાવવા 1 કરોડ રૂપિયાની માગણી કરી. મમતાના પિતા કિરણભાઈ ચાવડાએ જણાવ્યું કે, 'અમારી પાસે હવે પૈસા નથી. સરકાર અમારા સંતાનોને છોડાવે.' તેમણે કહ્યું કે અમે એજન્ટને 70 લાખ રૂપિયા આપ્યા હતા. અપહરણ થયેલા ત્રણમાંથી એક તેમની દીકરી, એક સાળાનો છોકરો અને એક સાળીની દીકરી છે.

એજન્ટ અલ્પેશ પંચાલે જણાવ્યું કે, તેમણે ત્રણેયને રાજસ્થાન લઈ જઈને જયપુરથી અબુધાબી મોકલ્યા હતા અને ત્યાંથી તેઓ ઈથોપિયા પહોંચ્યા હતા. તેમને ફોન આવ્યો હતો કે ત્રણેય કેનેડા પહોંચી ગયા છે, પણ હકીકતમાં તેઓ કેનેડા પહોંચ્યા નહોતા. તેમનો આગળનો સંપર્ક થતો નથી. અપહરણ ઈથોપિયામાં થયું છે. તેમણે 60 લાખ રૂપિયા ચૂકવ્યા છતાં 1 કરોડની માગણી ચાલુ છે.

ઋત્વિકના કાકા રાકેશભાઈએ જણાવ્યું કે, તેમના ત્રણ સંતાનોને વિદેશ મોકલ્યા પછી અપહરણની જાણ થઈ. તેમણે કહ્યું કે કડીના વંશ નામના યુવકને પણ ત્રણેય સાથે અપહરણ કરાયો હતો, પણ પૈસા ચૂકવતાં તેને મુક્ત કરાયો હતો.

આ મામલે મમતાના પિતા કિરીટ ચાવડાએ મહેસાણાના લાંઘણજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.