ગયા મહિને દિલ્હીમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાની હેઠળ યોજાયેલી વિશાળ રેલીમાં ગેરહાજર રહેનારા ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો સામે પક્ષે કાર્યવાહી કરી છે. આ રેલી વોટ ચોરીના વિરોધમાં અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે યોજાઈ હતી. ગેરહાજર રહેનારા નેતાઓને સસ્પેન્ડ કરવામાં આવતાં પક્ષના આંતરિક વોટ્સએપ ગ્રુપમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. કાર્યકર્તાઓએ સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે કેટલાક વરિષ્ઠ નેતાઓ, જિલ્લા અને શહેર પ્રમુખો પણ રેલીમાં ગેરહાજર રહ્યા, તો તેમની સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી? આ ઉપરાંત, જે યુવા નેતાઓની ટિકિટ કાપીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ટિકિટ આપવામાં આવી હતી, તે નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા નહોતા, તો શું તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવશે? એવા પ્રશ્નો સાથે કાર્યકર્તાઓએ પક્ષના બેવડા ધોરણ સામે મોરચો ખોલ્યો છે.
કાર્યકર્તાઓએ જણાવ્યું કે છેલ્લા પાંચ મહિનાથી તેઓ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગ સાથે સતત આંદોલનો અને રેલીઓ કરી રહ્યા હતા. આ સંઘર્ષ દરમિયાન તેમણે પોલીસ કેસો અને સરકારી કાર્યવાહીનો સામનો કર્યો, છતાં પક્ષે તેમની પરિસ્થિતિ કે કારણ સાંભળ્યા વિના એક ઝાટકે હોદ્દા છીનવી લીધા. તેમણે પ્રદેશ પ્રમુખને અગાઉથી જાણ કરી હોવા છતાં કોઈ ખુલાસો પૂછ્યા વિના સીધા સસ્પેન્ડ કરાયા, જેનું ભારે મનદુઃખ છે.
વડોદરા શહેર યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પવન ગુપ્તાએ જણાવ્યું કે તેમના પિતાનું આંખનું ઓપરેશન હતું અને માતા પણ બીમાર હોવાથી તેઓ દિલ્હી જઈ શક્યા નહોતા. તેમણે હોસ્પિટલના રિપોર્ટ અગાઉથી પ્રદેશ પ્રમુખને મોકલી આપ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે દિલ્હી જવા માટે પાર્ટી તરફથી કોઈ પ્રવાસ કે રહેવા-જમવાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી. કાર્યકર્તાઓને સ્વખર્ચે જવાનું હોવાથી જે આર્થિક રીતે સક્ષમ હતા તે જ પહોંચી શક્યા હતા. જોકે, હવે વાતચીત બાદ પક્ષે પુનઃવિચારણા કરવાની ખાતરી આપી છે.
પંચમહાલ જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ માઈકલ જોસેફે જણાવ્યું કે સામાજિક પ્રસંગ હોવાથી તેમણે 28 તારીખે જ પ્રદેશ પ્રમુખને આમંત્રણ પત્રિકા મોકલી દીધી હતી. તેઓ અગાઉ બે વખત ચૂંટણી જીતીને ત્રીજી ટર્મ માટે જિલ્લા પ્રમુખ બન્યા છે અને ભૂતકાળના તમામ કાર્યક્રમો સફળ બનાવ્યા છે, છતાં ભૂતકાળની કામગીરી ધ્યાને લીધા વિના કાર્યવાહી કરાઈ છે.
એ જ રીતે અમદાવાદના ભાઈપુરા વોર્ડના પૂર્વ જનરલ સેક્રેટરી ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે ટ્રેનની ટિકિટ કરાવી હોવા છતાં અચાનક તબિયત લથડતાં તેઓ જઈ શક્યા નહોતા. તેથી, તેઓ નિર્ણય સામે પુનઃવિચારણા કરવા રજૂઆત કરશે.
આ સમગ્ર વિવાદ અંગે સ્પષ્ટતા કરતાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું કે આ કાર્યવાહી ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં લેવાયેલા આદેશના પગલે કરવામાં આવી છે. જે હોદ્દેદારોને દિલ્હી આવવા માટે અધિકૃત રીતે કૉલ આપવામાં આવ્યો હતો અને તેઓ ગેરહાજર રહ્યા હતા, તે તમામને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી રેલી બાદ યોજાયેલી ઓનલાઇન બેઠકમાં આ સામૂહિક નિર્ણય લેવાયો હતો.