ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. દિલ્હીમાં એક નવેમ્બરે રાહુલ ગાંધીના નેતૃત્વમાં વોટ ચોરી મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગેરહાજર રહેનારા સ્ટેટ સેક્રેટરી સહિત જિલ્લા પ્રમુખોનો પણ સમાવેશ થાય છે.
ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રેસિડેન્ટ પ્રવિણસિંહ વણોલે જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા યુથ કોંગ્રેસ દ્વારા આ પગલા લેવામાં આવ્યા છે. દરેક રાજ્યમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે. જે લોકોને દિલ્હી આવવા માટે કોલ આપવામાં આવ્યો હતો અને તે ન આવ્યા હોય તો તે તમામ લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દિલ્હી રેલી બાદ ઓનલાઈન મિટિંગ મળી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રિપોર્ટ માટે એક ફોર્મ બહાર પાડીશું જેમાં કારણ મંગાવીશું અને ત્યારબાદ જે એક્ટિવ થશે તેને અમે ફરી સાથે જોડીશું. બાકી અત્યારે તમામ 49 હોદ્દેદારોને પદ પરથી દૂર કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
યુથ કોંગ્રેસે મિટિંગ કરી ફરજિયાત આવવા સૂચના આપી હતી. ગુજરાત કોંગ્રેસ, મહિલા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓને પણ રેલીમાં દિલ્હી આવવા સૂચના આપવામાં આવી હતી. જે માટે દિલ્હી લઈ જવા અને લાવવા સુધીની વ્યવસ્થા પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. એટલું જ નહીં દિલ્હીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના નેતાઓ આવે તે માટે ઈન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા એક મિટિંગ યોજી તમામ હોદ્દેદારોને ફરજિયાત રેલીમાં આવવા સૂચના આપી હતી.
પ્રદેશના મોટા નેતાઓ દિલ્હીની રેલીમાં જોડાયા હતા. રાષ્ટ્રીય નેતૃત્વની સૂચના બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના તમામ મોટા નેતાઓ દિલ્હીની રેલીમાં જોડાઈ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રજીનામાની માંગ કરી હતી. જેમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસની સૂચના બાદ યુથ કોંગ્રેસના હોદ્દેદારો પણ ગયા હતા. પરંતુ અગાઉથી સૂચના આપવા છતાં ગુજરાત યુથ કોંગ્રેસના 49 હોદ્દેદારો દિલ્હીની રેલીમાં ગેરહાજર રહ્યા હતા.
ગેરહાજર રહેવાની અગાઉથી પણ જાણ ન કરતા સસ્પેન્ડ કરાયા. 49 યુથ કોંગ્રેસના હોદ્દેદારો એ દિલ્હીમાં રેલીમાં નહીં જોડાય તે માટે અગાઉથી કોઈ જાણ પણ કરી ન હતી. જેથી ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પાસે નામની યાદી મંગાવવામાં આવી હતી. જે બાદ રાહુલ ગાંધીના નેતૃત્વમાં યોજાયેલી મહારેલીમાં જાણ વગર ગેરહાજર રહેનાર યુથ કોંગ્રેસના હોદ્દેદારોને તાત્કાલિક અસરથી પદ પરથી દૂર કરી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં 24 જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખ સામે પણ ઇન્ડિયન યુથ કોંગ્રેસ દ્વારા આગામી સૂચના ન અપાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કર્યો છે.
અમદાવાદ ગ્રામ્ય, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, ગીર સોમનાથ, જૂનાગઢ શહેર અને ગ્રામ્ય, મહીસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ શહેર, સાબરકાંઠા, વડોદરા શહેર અને સુરેન્દ્રનગર જિલ્લાના યુથ કોંગ્રેસના પ્રમુખને પદ પરથી દૂર કરી તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.