સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં યુવાનોમાં સુન્નતનું વધતું ચલણ: ડોક્ટર્સ કહે છે કોસ્મેટિક અને ટાઇમિંગ માટે લોન લઈને પણ કરાવે છે સર્જરી

ગુજરાતમાં યુવાનોમાં સુન્નતનું વધતું ચલણ: ડોક્ટર્સ કહે છે કોસ્મેટિક અને ટાઇમિંગ માટે લોન લઈને પણ કરાવે છે સર્જરી

અમદાવાદ: ગુજરાતમાં 18થી 30 વર્ષના યુવાનોમાં સુન્નત (સર્કમસિઝન) કરાવવાનું ચલણ વધી રહ્યું છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, યુવાનો જાતીય જીવન સુધારવા, ટાઇમિંગ વધારવા, સારા દેખાવ અને વ્યક્તિગત સ્વચ્છતા માટે સ્વેચ્છાએ આ સર્જરી કરાવી રહ્યા છે. કેટલાક યુવાનો તો ફાઇનાન્સ કંપનીમાંથી લોન લઈને પણ આ સર્જરી કરાવે છે.

અમદાવાદના નિકોલમાં પ્રેક્ટિસ કરતા સેક્સોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલ જણાવે છે કે, તેમની પાસે દિવસના 8-10 અને મહિનામાં 250થી 300 કેસ ટાઇમિંગના ઇશ્યુ માટે આવે છે. જ્યારે પ્લાસ્ટિક સર્જન ડૉ. અર્થ શાહ કહે છે કે, તેમની પાસે દિવસના ચારેક અને મહિનામાં 100 જેટલા સર્કમસિઝનના કેસ આવે છે. જેમાં ફાયમોસીસની તકલીફ હોય તેમને સર્કમસિઝનની સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, સાઇઝ, શેપમાં પ્રોબ્લેમ હોય, લેન્થનિંગ કે ફિલર કરાવવું હોય તેવા લોકો કોસ્મેટિક સર્જરી માટે પણ આવે છે.

ડૉ. અર્થ શાહે એક કિસ્સો ટાંકતા જણાવ્યું કે, 19 વર્ષનો એક યુવાન તેમની પાસે આવ્યો હતો. તેણે કહ્યું કે ઇરેક્શન સમયે પેઇન થાય છે. તપાસમાં ફાયમોસીસ ન લાગતાં તેને કોસ્મેટિક કારણોસર સર્કમસિઝનની સલાહ આપવામાં આવી. અન્ય એક કિસ્સામાં 20 વર્ષનો BBAનો વિદ્યાર્થી પોતાની સ્કીન ટાઇટ હોવાની અને 2-3 મિનિટમાં ડિસ્ચાર્જ થઈ જવાની ફરિયાદ લઈને આવ્યો હતો. તેને પણ સર્જરી કરાવવાની સલાહ આપવામાં આવી હતી.

ડોક્ટર્સના જણાવ્યા અનુસાર, લોકો ધાર્મિક કારણોસર, સ્વચ્છતા જાળવવા, ચામડી નીચે ઉતરતી ન હોવી (ફાયમોસીસ), પેરાફાયમોસીસ, યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન, જાતીય રોગોથી બચવા અને ડાયાબિટીસના કારણે વારંવાર ઇન્ફેક્શન થતું હોય ત્યારે પણ સર્કમસિઝન કરાવે છે. આ સર્જરી હવે 3-4 મિનિટમાં થઈ જાય છે અને તેમાં ઓછું લોહી નીકળે છે.

ડૉ. અર્થ શાહ કહે છે કે, આ સર્જરી કોઈપણ યુવાન કરાવી શકે છે. ઘણીવાર સેક્સ્યુઅલી એક્ટિવ યુવાનને ઇરેક્શન સમયે ટાઇટ ચામડીના કારણે દુખાવો થાય છે. જેનાથી બચવા માટે યુવાનો ફ્રેન્યુલોપ્લાસ્ટી કરાવે છે, જે 2-3 મિનિટમાં થઈ જાય છે. તેમણે ઉમેર્યું કે, મેડિકલ કન્ડિશનમાં કોઈ અપર-લોઅર ક્લાસ હોતું નથી. અમદાવાદ અથવા આસપાસના શહેરોમાંથી અને સોશિયલ મીડિયાના કારણે છોકરાઓ આવી રહ્યા છે.

ડોક્ટર્સ જણાવે છે કે, સારા દેખાવ માટે સર્કમસિઝન કરાવવા આવતા લોકો આર્થિક રીતે સક્ષમ હોય છે. તેમની માંગ હોય છે કે સ્કીન કાઢી આપો જેથી દેખાવ સારો લાગે. આ બાબત ડોક્ટર્સ માટે પણ નવી છે.