ગુજરાતમાં ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં છે, તે વચ્ચે હવામાન વિભાગે આજે પણ કેટલાક વિસ્તારો માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં આજે છૂટાછવાયા સ્થળોએ પવન સાથે વરસાદ થવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવાથી મધ્યમ વરસાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. એ જ રીતે ભાવનગર જિલ્લામાં પણ આવું જ યલો એલર્ટ છે.
ગઈ કાલે સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાએ ફરી એકવાર જોરદાર બેટિંગ કરી હતી. ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, રાજકોટ, ભાવનગર અને પોરબંદર સહિતના જિલ્લાઓના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં બપોર પછી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાર્વત્રિક ધોધમાર વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આવેલા આ સારા વરસાદને પગલે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવતદાન મળતાં ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર જોવા મળી હતી.
અમરેલી જિલ્લામાં બપોર પછી અનરાધાર વરસાદ વરસ્યો હતો. ખાસ કરીને બાબરા તાલુકાના બળેલ પીપરીયા ગામમાં માત્ર 1 કલાકમાં જ 5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ ખાબકતાં ગામના મુખ્ય રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા અને ગામનું તળાવ પણ ઓવરફ્લો થઈ ગયું હતું. અમરેલી શહેરના બ્રાહ્મણ સોસાયટી, હાઉસિંગ બોર્ડ અને નાગનાથ વિસ્તારમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. સાવરકુંડલા પંથકના ધોબા, પીપરડી અને ભમોદરા જેવા ગામોમાં સતત 3 દિવસથી વરસાદ ચાલુ છે. જાફરાબાદના કોસ્ટલ બેલ્ટમાં ભારે વરસાદના કારણે મુખ્ય બજારો જાણે સ્વિમિંગપુલમાં ફેરવાઈ ગઈ હતી, જ્યારે બગસરા અને ધારીના ગ્રામ્ય પંથકોમાં પણ ધોધમાર વરસાદ પડતાં ખેતરો પાણીથી તરબોળ થયા હતા.
જૂનાગઢ શહેર અને જિલ્લામાં પણ ભારે વરસાદ પડ્યો હતો. જૂનાગઢ શહેરમાં 1.61 ઈંચ જેટલો વરસાદ પડતાં મધુરમ, વૃંદાવન સોસાયટી, ભવનાથ, આઝાદ ચોક અને સરદાર બાગ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝાંઝરડા તરફ જતા ગરનાળામાં વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને એક બોલેરો કાર પણ ફસાઈ ગઈ હતી. ગિરનાર અને દાતાર પર્વત પર પડેલા ભારે વરસાદથી ગિરનારનાં ઝરણાં વહેતા થયા અને દામોદર કુંડ તથા વિલિંગ્ડન ડેમમાં નવા નીરની આવક થઈ છે. આ ઉપરાંત કેશોદમાં 1.38 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે માણાવદર, વિસાવદર, માળીયા હાટીના અને વંથલીમાં પણ વીજળીના કડાકા સાથે ભારે વરસાદથી રસ્તાઓ જળમગ્ન બન્યા હતા.
લાંબા વિરામ બાદ આવેલા સારા વરસાદને કારણે મગફળી, કપાસ અને સોયાબીન જેવા ખરીફ પાકોને નવું જીવન મળ્યું છે. આનાથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.