અયોધ્યામાં રામલલ્લાના દર્શન માટે જતા ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકાર 80.25 કરોડ રૂપિયાના ખર્ચે અયોધ્યામાં ભવ્ય 'યાત્રી નિવાસ' બનાવશે. આ સંકુલ 6,929.28 ચોરસ મીટર જમીન પર બનશે, જેમાં 308 બેડ અને 864 લોકોની ક્ષમતાવાળો વિશાળ હોલ હશે.
ગુજરાત પ્રવાસન નિગમ (TCGL) દ્વારા આ યાત્રી નિવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શ્રદ્ધાળુઓ માટે અહીં વિવિધ પ્રકારના સુસજ્જ રૂમ, રિસેપ્શન સેન્ટર, વિઝિટર લાઉન્જ, સોવેનિયર શોપ, મલ્ટિપર્પઝ હોલ, ઓડિટોરિયમ, મીટિંગ રૂમ, વિશાળ ડાઇનિંગ એરિયા, ટેરેસ ગાર્ડન, ડિજિટલ ડિસ્પ્લે અને આકર્ષક લેન્ડસ્કેપિંગ જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે.
આ યાત્રી નિવાસનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે અને આગામી એક વર્ષમાં તે ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું મૂકવામાં આવશે. રાજ્ય સરકારની આ પહેલથી અયોધ્યા આવતા ગુજરાતના પ્રવાસીઓને પોતાના ઘર જેવી સુવિધા અને સુરક્ષા મળશે. આ ઉપરાંત, આ યાત્રી નિવાસ ગુજરાત અને અયોધ્યા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંબંધોને વધુ મજબૂત બનાવશે.