સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં 2.70 લાખ શ્રમિકોનું શોષણ, દિવાળી પહેલાં પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચેતવણી

ગુજરાતમાં 2.70 લાખ શ્રમિકોનું શોષણ, દિવાળી પહેલાં પ્રશ્નો ન ઉકેલાય તો આંદોલનની ચેતવણી

ગુજરાતમાં 2.70 લાખથી વધુ શ્રમિકો અને કામદારો આર્થિક શોષણનો સામનો કરી રહ્યા છે. આંગણવાડી વર્કર્સ, આશા વર્કર્સ સહિતના શ્રમજીવીઓએ સરકાર સામે મોરચો માંડ્યો છે. 12 કલાક કામ છતાં પૂરો પગાર ન મળતા અને વધતી મોંઘવારીથી પીડિત કામદારોએ દિવાળી પહેલાં પ્રશ્નો ન ઉકેલાય તો રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલનની ચેતવણી આપી છે.

રાજ્યના વિકાસમાં શ્રમિકોનું મહત્વપૂર્ણ યોગદાન છે, પરંતુ તેમને કાયદેસરના હક્કોનું રક્ષણ મળતું નથી. અસંગઠિત અને કરાર આધારિત કામદારોની સ્થિતિ ચિંતાજનક છે. સત્તાવાર આંકડા મુજબ, રાજ્યમાં 1.18 કરોડથી વધુ કામદારો અસંગઠિત ક્ષેત્રમાં કાર્યરત છે. 47,762 નોંધાયેલી ફેક્ટરીઓમાં 24 લાખ લોકો કામ કરે છે, જ્યારે વણનોંધાયેલી ફેક્ટરીઓની સંખ્યા ઘણી વધારે છે. ઔદ્યોગિક વિસ્તારોમાં 30થી 40 લાખ પરપ્રાંતીય કામદારો કપરી પરિસ્થિતિમાં કામ કરવા મજબૂર છે.

સરકારી નીતિઓમાં પણ કામદારોના હિતોને નજરઅંદાજ કરવામાં આવ્યા છે. 2018માં ફિક્સ પગારદારોની સંખ્યા 2 લાખ હતી, જે 2025માં વધીને 3.50 લાખ થઈ છે. કરાર આધારિત અને આઉટસોર્સિંગ કર્મચારીઓની સંખ્યા 2022માં 6 લાખ હતી, જે 2025માં 6.50 લાખ થઈ છે. બીજી તરફ કાયમી કર્મચારીઓની સંખ્યામાં 30% જેટલો ઘટાડો થયો છે. ખેતમજૂરોની સંખ્યા 75 લાખ સુધી પહોંચી છે, જ્યારે 1,20,540 આંગણવાડી વર્કર્સ, 47,817 હેલ્પર્સ અને 44,000 આશા વર્કર્સ અને ફેસિલિટેટર્સ ખૂબ જ ઓછા વેતનમાં કામ કરી રહ્યા છે.

વીજકાપ, ગેસની અછત અને આર્થિક કટોકટીના કારણે હજારો કામદારોની નોકરીઓ જોખમમાં છે. ઘણા લોકો રોજગારી ગુમાવી ચૂક્યા છે અને પરપ્રાંતના શ્રમિકો મોટા પાયે પોતાના વતન પરત ફરી રહ્યા છે. કાયદેસરના લઘુત્તમ વેતનના નિયમોનું પાલન થતું નથી. શ્રમિકોને 8 કલાકને બદલે 12 કલાક સુધી કામ કરાવવામાં આવે છે, છતાં પૂરું વેતન મળતું નથી.

આ પરિસ્થિતિને કારણે રાજ્યના અંદાજે 2.50 કરોડ કામદારો અને તેમના પરિવારો માટે દિવાળી જેવો તહેવાર ઉજવવો મુશ્કેલ બન્યો છે. ટ્રેડ યુનિયનો અને કામદાર સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર દિવાળી પહેલાં યોગ્ય પગલાં નહીં લે, તો શ્રમિકોનો આક્રોશ ઉગ્ર આંદોલનમાં પરિણમી શકે છે.