અમદાવાદ સહિત ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. શુક્રવારે રાત્રે 6 જિલ્લામાં તાપમાન 20 ડિગ્રીથી નીચે નોંધાયું. વડોદરા 17 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું, જ્યારે નલિયા 17.2, અમરેલી 17.8, રાજકોટ 18.6, મહુવા 18.5 અને ગાંધીનગર 19.0 ડિગ્રી રહ્યું. અમદાવાદમાં 20.2 ડિગ્રી તાપમાન સાથે રાત્રે ઠંડક અને દિવસે ગરમીથી બેવડી ઋતુનો અનુભવ થયો. આગામી દિવસોમાં પણ આવી જ ગુલાબી ઠંડી રહેવાની શક્યતા છે.
અમદાવાદમાં નવેમ્બરની શરૂઆતથી જ રાત્રે વાતાવરણમાં ઠંડક પ્રસરી જાય છે. જોકે સવારે ગરમીનો પારો યથાવત્ રહેતા બેવડી ઋતુ રહે છે. ત્યારે અમદાવાદમાં ગત રાત્રે લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રીએ પહોંચતા લોકોને ઠંડકનો અનુભવ થયો હતો. જ્યારે શુક્રવાર રાત્રે ગુજરાતના 6 જિલ્લામાં ન્યુનતમ તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે રહ્યો હતો.
અમદાવાદમાં દિવસે તાપ અને રાત્રે ઠંડક પ્રસરી જતાં શહેરીજનોને બેવડી ઋતુનો અહેસાસ થાય છે. ત્યારે અમદાવાદમાં શુક્રવારે દિવસ દરમિયાન 36 ડિગ્રી તાપમાન રહ્યું હતું. જે સામાન્ય કરતાં થોડું વધારે છે. ત્યારે શુક્રવારે રાત્રે ન્યુનતમ તાપમાનનો પારો 20.2 ડિગ્રી રહ્યો હતો. રાજ્યના અન્ય વિસ્તારની વાત કરીએ તો શુક્રવાર રાત્રે 17 ડિગ્રી સાથે વડોદરામાં સૌથી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં 17.2, અમરેલીમાં 17.8, રાજકોટમાં 18.6, મહુવામાં 18.5 તથા ગાંધીનગરમાં 19.0 ડિગ્રી ન્યુનતમ તાપમાન નોંધાતા લોકોને ઠંડીનો અહેસાસ થયો હતો. આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો આટલો જ રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં લોકોને હજુ પણ ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.