ગુજરાતમાં હાલ હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. દિવસ દરમિયાન કડકડતી ગરમી અને મોડી રાત્રે ઠંડક વચ્ચે હવામાન વિભાગે આગામી બે દિવસ માટે હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ ગુજરાતના અનેક વિસ્તારોમાં ત્રણ ઋતુઓનો એકસાથે અહેસાય થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ, દાદરા નગરહવેલી તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં હળવો વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અમદાવાદમાં 31 ઓક્ટોબર બાદ લઘુતમ તાપમાન ઘટવાની શક્યતા છે, જેનાથી ઠંડી વધશે.
ગઈકાલ રાત્રિના તાપમાનની વાત કરીએ તો નલિયામાં સૌથી નીચું 18.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જ્યારે રાજકોટમાં સૌથી વધુ 39.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મહત્તમ 36.1 ડિગ્રી અને લઘુતમ 22.4 ડિગ્રી તાપમાન રહ્યું હતું. અન્ય શહેરોમાં ભુજમાં 38, સુરતમાં 37.5, સુરેન્દ્રનગરમાં 37.3, ગાંધીનગરમાં 36.5, વડોદરામાં 36.2 અને ભાવનગરમાં 35.8 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું.
અનેક વિસ્તારોમાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પણ જોવા મળી હતી. આમ, આગામી દિવસોમાં ગુજરાતમાં ગરમી, ઠંડી અને વરસાદ એમ ત્રણેય ઋતુઓનો અનુભવ થઈ શકે છે.