સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ છતાં ભારે વરસાદ નહીં, આગાહી જાહેર

ગુજરાતમાં ત્રણ સક્રિય સિસ્ટમ છતાં ભારે વરસાદ નહીં, આગાહી જાહેર

અમદાવાદ: ગુજરાતમાં હાલ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય છે, તેમ છતાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગે રાજ્યમાં છૂટાછવાયાથી હળવા-મધ્યમ વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ મુજબ, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર બનેલી ટ્રફ સિસ્ટમ સહિત ત્રણ સિસ્ટમ સક્રિય છે. જોકે, આ સિસ્ટમના કારણે ગુજરાતમાં માત્ર છૂટોછવાયો અને હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.

હાલ રાજ્યમાં વરસાદની ઘટ નોંધાઈ રહી છે. સમગ્ર ગુજરાતમાં 16 ટકા વરસાદની ઘટ છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ ક્ષેત્રમાં 37 ટકા જેટલી મોટી ઘટ છે. આ ખેડૂતો અને જનજીવન માટે ચિંતાનો વિષય છે.

હવામાન વિભાગની વિગત મુજબ, એક ટ્રફ લાઇન શ્રી ગંગાનગરથી પસાર થઈ રહી છે. બીજી ટ્રફ સિસ્ટમ ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રથી ઝારખંડ તરફ આગળ વધી રહી છે. ત્રીજી સિસ્ટમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, જે 64 ડિગ્રી પૂર્વ રેખાંશ અને 32 ડિગ્રી ઉત્તર અક્ષાંશ પર છે. આમ છતાં આગામી એક અઠવાડિયા સુધી ભારે વરસાદની ચેતવણી નથી.